♠ તુકારામની ઉદારતા ♠

સંત તુકારામજી ભક્તિભાવ કરતા અને પોતાના ખેતરમાં ઉગાડેલાં ધાન્યની રક્ષા કરવા દરરોજ ખેતરે પણ જતાં હતાં.એકવાર તેમના ખેતરમાં શેરડીનો સારો પાક થયો હતો.આથી તેમણે થોડી શેરડી કાપી અને તેનો ભારો બાંધી ઘરે લઇ જઇ રહ્યાં હતાં.રસ્તામાં તેમને દરરોજ કેટલાંક ભાવિકો મળતાં અને સત્સંગની વાતો કરતાં.

આજે તેમની પાસે શેરડીનો ભારો જોઇને બધાએ શેરડી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી.સંતપુરુષ તો વહેંચીને ખાવામાં માને.તેમને રસ્તામાં જે કોઇ મળે તેને શેરડી વહેંચવાં માંડી.એમ કરતાં ઘર આવી ગયું ત્યારે તેમના ઘરમાં માત્ર એકજ શેરડીનો સાંઠો વધ્યો હતો.તેમની આવી ઉદારવૃત્તિને કારણે તેમના ઘરમાં પણ ચીજવસ્તુઓનો અભાવ રહેતો.વળી તેમના પત્નીનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હતો.માત્ર એકજ શેરડી લઇને તુકારામ આવ્યા એટલે તેમના પત્નીએ ગુસ્સે થઇને તેમના હાથમાંથી શેરડી ઝૂંટવી લીધી અને તેમની પીઠ ઉપર જોરથી શેરડીનો ઘા કર્યો એટલે શેરડીના બે ટુકડા થઇ ગયા એટલે તુકારામે વાતને મજાકરૂપે લઇને કહ્યું ''વાહ !  તે શેરડીના બે સરખા ભાગ કરી આપ્યાં.તે સારૂ કર્યું.એમ કહી તુકારામે હળવાશથી વાતને આગળ વધતા અટકાવી દીધી.