♠ ક્ષમા ♠

સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તેસંત તુકારામની પ્રશંસા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક તક પણ જવા દે નહિ. એક દિવસ તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઇ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઇ ગઇ.

પેલો માણસ કૂદીકૂદીને તુકારામને ગાળો બોલવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તુકારામનું આવું મૌન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને જોરજોરથી ગાળો બોલવા લાગ્યો.

છેવટે તે તુકારામ પર એટલે બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ ભોંકી દીધી ! તુકારામે કશું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી પણ એમ કરતાં તેમની પીઠમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું. સાંજ પડી. ભજનકીર્તનનો સમય થયો.

સંત તુકારામ ભજન ગાવા બેઠા. એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા હાજર હતા, પણ પેલો માણસ હાજર નહોતો. તરત જ તુકારામ ઊભા થઇને પેલાના ઘેર પહોંચ્યા અને બોલ્યા, ''ભાઇ,મારી કંઇ ભૂલ થતી હોય તો હું તારી માફી માગું છું, પણ મારી ભૂલના કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ ક્યાંનો ન્યાય ?

ચાલ, ભજન સાંભળવા ચાલ. મારા પરનો રોષ ઈશ્વર પર શા માટે ઠાલવે છે ભલા ?'' તુકારામના આ શબ્દો સાંભળી પેલો માણસ ખાસ શરમાયો. તે ભજનમાં આવ્યો. ભજન પૂરા થયાં એટલે તેણે તુકારામને કહ્યું, ''મને માફ કરો. આપના જેવા ક્ષમાવાન  પર ક્રોધ કરીને મેં મોટું પાપ કર્યું છે.''