♠ અંતિમ ઇચ્છા ♠

ભારતની આઝાદી માટેના ૧૮૫૭ના બળવાના મુખ્ય સૂત્રધારો પૈકીના એક તાત્યા ટોપે હતા. તેમને પકડવા અંગ્રેજોએ આકાશ-પાતાળ એક કર્યાં, પણ બધું જ નાકામિયાબ !

છેવટે એક ભારતીય રાજવીએ દગાપૂર્વક તાત્યા ટોપેને પકડાવી દીધા. તાત્યા ટોપેને ફાંસીની સજા થઈ. પણ સદા હાથમાં મોત લઈ ફરનાર તાત્યા ટોપેને ગભરાટને બદલે પરમ પ્રસન્નતા હતી કે પોતે દેશને ખાતર શહાદત વહોરી રહ્યા છે. ફાંસી આપતા પહેલાં તાત્યા ટોપેને પૂછવામાં આવ્યું, 'તારી કોઈ અંતિમ ઈચ્છા ?'

ખુમારીથી જવામર્દે કહ્યું, ''તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરવાનું સામર્થ્ય ધરાવતા નથી ! એ સામર્થ્ય તો મારા દેશબાંધવો જ ધરાવે છે, જેઓ જરૂર એક દિવસ તમને અંગ્રેજોને ભારતની ધરતી પરથી હાંકી કાઢશે અને મારા દેશને સ્વતંત્ર કરશે. તેઓ જ દેશને સ્વતંત્ર કરવાની મારી અંતિમ ઈચ્છા પૂરી કરશે. મને પૂરી ખાતરી છે કે તમારે અવશ્ય એક દિવસ મારો દેશ છોડી ચાલ્યા જવું પડશે ! ''

અને પછી તેઓને ફાંસી-ટોપી પહેરાવ્યા જલ્લાદ આગળ આવ્યો તો તાત્યા ટોપેએ કહ્યું, 'ભાઈ, એની મને જરૃર નથી. આ ટોપી તો ફાંસીથી ગભરાતા કાયર લોકો માટે છે. લાવ, રસ્સીનો ગાળિયો ! હું જાતે જ, ખુલ્લી આંખે મારા ગળામાં ભેરવી દઈશ.' અને જાતે જ તેમણે ફાંસીનો ગાળિયો પોતાના ગળામાં નાખ્યો!

No comments:

Post a Comment