♠ સહનશક્તિ ♠

મહાત્મા ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં હતા તે સમયની વાત છે. એક દિવસ તેમને કોઈક કામ માટે બેનિયા જવાનું થયું ટ્રેન મારફત તેમને ત્યાં પહોંચવાનું હતું.

ગાંધીજી હંમેશા ટ્રેનમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. તેઓ ઘણી વાર કહેતા, 'મારા હજારો દેશ બાંધવો ગરીબીના કારણે ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા હોય તો મારાથી બીજા કે પહેલા વર્ગમાં મુસાફરી કેમ થઈ શકે ?'

એવામાં કોઈ એક પ્રવાસી તેમના ડબ્બામાં ચઢ્યો અને ગાંધીજીના પગ બળપૂર્વક આઘા કરી બોલ્યો, 'એય, આમ પહોળા પગ કરીને બેઠો છે, તો તને કશી શરમ આવતી નથી ! ચાલ સીધો બેસ !'

ગાંધીજીએ તરત જ પોતાના પગ જરા ખેંચી લીધા અને પેલા માણસને બેસવાની જગ્યા કરી આપી. પણ પેલો મુસાફર તો ગાંધીજીને ગાળો આપતો જ રહ્યો. છતાં ગાંધીજીએ મૌન રહી એ બધું શાંતિથી સહન કર્યું. જ્યારે બેનિયા આવ્યું ત્યારે પ્લેટફોર્મથી કેટલાક માણસો ગાંધીજીના ડબ્બા પાસે દોડી આવ્યા અને 'ગાંધીજીની જય' એવા નારા લગાવીને તેમણે ગાંધીજીને હાર-તોરા કર્યા. પેલો પ્રવાસી તો આભો જ બની ગયો. તેને હવે સાચો ખ્યાલ આવ્યો કે પોતે જે માણસને ગાળો બોલી રહ્યો હતો, એ તો મહાત્મા ગાંધીજી છે ! તરત જ તે ગાંધીજીના પગમાં પડયો અને બોલ્યો, 'મને માફ કરો. મેં આપને ઓળખ્યાં નહીં અને તમને ગાળો બોલ્યો !'

ગાંધીજીએ હસીને કહ્યું, 'અરે ભાઈ, તેં મારી સતામણી કરી એ તો ઘણું સારું કહેવાય. કેમ કે એ સતામણી તો મારી સહનશક્તિ માટે એક કસોટીરૃપ બની. ઈશ્વરકૃપાએ હું એ કસોટીમાંથી પાર ઊતર્યો. આ  માટે મારે તારો આભાર માનવો જોઈએ !'