♠ સાચું દાન ♠


છેક નાની વયથી વ્યાપાર ખેડનારો વેપારી હવે વૃદ્ધ બની ગયો હતો. આખી જિંદગી એણે કમાણી કરવા પાછળ ગાળી હતી. દ્રવ્યઉપાર્જન સિવાય એનું બીજું કોઈ લક્ષ્ય નહોતું. હવે બૂઢાપો દેખાવા લાગ્યો ત્યારે એ વિચાર કરવા લાગ્યો કે આજ સુધી સતત સંપત્તિ એકઠી કરી રહ્યો છું, પણ ક્યારેય એનો સરવાળો કરવાનો સમય મળ્યો નથી. લાવ, જરા ગણતરી કરી લઉં. વેપારી પોતાની સંપત્તિની ગણતરી કરવા બેઠો તો ખ્યાલ આવ્યો કે એની પાસે તો કરોડો રૃપિયા એકઠા થયા છે.

એને થયું કે હવે દાન-પુણ્ય કરવાનો અવસર આવી ગયો છે. ગણતરીબાજ વેપારી વિચારવા લાગ્યો કે કોઈ એવી જગાએ દાન કરું, કે જેથી ધનનો સદુપયોગ થાય અને પુણ્યની પ્રાપ્તિ પણ થાય. લાંબા સમય પછી એણે વિચાર્યું કે એક વિરાટ મંદિર બાંધું કે જેથી લોકોને પુણ્ય કરવાનું સ્થાન મળે. વળી એમ પણ વિચાર્યું કે કે કશાય કામધંધા વિનાના લોકોને આર્થિક સહાય આપું. ત્રીજો એવો પણ વિચાર આવ્યો કે કોઈ સદાવ્રત શરૃ કરું કે જેથી ભૂખ્યાને અન્ન મળે.

શુભકાર્યનો પ્રારંભ કરવા માટે શુભમુહૂર્ત કઢાવવા એ વેપારી સંત પાસે ગયો અને સંતને પોતાની મંદિર, બેકારોને સહાય અને સદાવ્રતની યોજનાની વાત કરી.

એની આ યોજનાઓ સાંભળીને સંત નિરાશ થઈ ગયા. વેપારીને તો એમ હતું કે સંત એને શાબાશી આપશે, એને બદલે સંત ગંભીર બનીને ઊંડા વિચારમાં ડૂબી ગયા.

થોડા સમય પછી એમણે વેપારીને કહ્યું, ''ભાઈ, તારી પાસે જેટલી સંપત્તિ છે એટલા તો આ દેશમાં સદાવ્રત પર નભનારા લોકો છે. કશોય કામધંધો ન કરતા કેટલા પ્રમાદીઓને તું સહાય કરીશ ? વળી આ બધા મહેનત કરવાને બદલે મફતનું ખાવા લાગશે અને થોડાક સમયમાં તારી સઘળી સંપત્તિ ખર્ચાઈ જતાં તને કોઈ પુણ્યલાભ પ્રાપ્ત થશે નહીં.''

સંતની વાત સાંભળીને વેપારી દ્વિધામાં પડી ગયો. એણે હાથ જોડીને સંતને કહ્યું, ''મહારાજ, આપ જ કોઈ માર્ગ સૂઝાડો. મારે શું કરવું જોઈએ ?''

સંતે કહ્યું, ''તમારી ભાવનાનું પરિવર્તન કરવું જોઈએ, તો જરૃર તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકશો.''
''એ કઈ રીતે થઈ શકે ?''

સંતે કહ્યું, ''વિરાટ મંદિર, કામ વિનાના માણસોને સહાય કે સદાવ્રતને બદલે વિદ્યાલય, ઉદ્યોગશાળા અને ચિકિત્સાલયોની સ્થાપના કરો. જેથી લોકો સ્વસ્થ બનશે. શિક્ષિત થશે અને ખરેખર ઉદ્યમી બની રહેશે. જો તેઓ ઉદ્યમ કરે તો એમને ભિક્ષાવૃત્તિ કરવાનું, સદાવ્રત પર નભવાનું કે ચોરી કરવાનું મન નહીં થાય. આવી રીતે દયા-દાન કરવાથી લોકો વધુ ઉદ્યમી અને મહેનતું બનશે. એ જ સાચું દાન છે કે જે દાન વ્યક્તિને લાચાર કે યાચક બનાવે નહીં, પરંતુ સ્વાભિમાનથી જીવન જીવતાં શીખવે.''