♠ સમજદાર માટે સ્મશાન પણ સાધના ભૂમિ બની શકે છે. ♠

સ્પાર્ક - વત્સલ વસાણી

- ગુજરાત સમાચાર ( રવિપૂર્તિ ) 

 

જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો છોડતી નથી,જગત એક મમતાનો ખેલ છે

બુદ્ધની પાસે કોઈ સત્યની શોધ માટે આવે તો એને એક અનેરી સાધના પદ્ધતિમાંથી પસાર થવું પડતું. પહેલા ત્રણ મહિના માટે બુદ્ધ એને સ્મશાનમાં મોકલી દેતા. આખો દિવસ અને રાત ત્યાં જ રહેવાનું અને જે કાંઈ બને તે જોયા કરવાનું.

લોકો સાધના માટે મંદિરમાં જાય, કોઈ તીર્થભૂમિ કે આશ્રમમાં જઈને રહે એ તો સમજી શકાય એવી વાત છે પણ સ્મશાનમાં જઈને રહેવું અને એને જ સાધના ભૂમિ બનાવવી એ એક કપરું કામ છે. વર્ષો સુધી આશ્રમમાં રહેવાથી જે નથી મળતું તે માત્ર ત્રણ જ મહિના સ્મશાનમાં રહેવાથી મળે છે. જિંદગીભર તમે મંદિર, મસ્જિદ, ચર્ચ કે દેરાસરના - પગથિયા ઘસતા રહો તો પણ વૈરાગ્યનો ઉદય નહીં થાય, અને એ જ કામ માત્ર ચોવીસ કલાક માટે સ્મશાનમાં જઈ બળતી ચિતાઓને જોયા કરો તો આપમેળે થઈ જશે.

ચાંડાલ લોકો ચોવીસ કલાક તો શું, જિંદગીભર સ્મશાનમાં જ રહે છે પણ એનું મૃત્યુ એટલે શું ? જીવન કેવું ક્ષણભંગુર છે !... એનો ખ્યાલ જ નથી આવતો. સ્મશાનમાં રહીને પણ એ લોકો વધારે જડ થતા જાય છે. શબ પર ઓઢાડેલી ચાદર લેવામાં, સાડી, ધોતી કે કફન જેવી કઈ વસ્તુ ઉઠાવી લેવામાં જ એને રસ હોય. રોજે રોજ મડદા બાળવા છતાં એમના મનમાં જીવનની ક્ષણભંગુરતાનો કોઈ ખ્યાલ નથી જાગતો.

એકની એક ઘટના, એક વ્યક્તિ માટે જાગરણનું નિમિત્ત બને તો બીજીને સોડ તાણીને સૂઈ રહેવામાં ય મદદ કરી શકે. તમારી સંવેદનશીલતા કેટલી ગહન છે, તમારી પાસે સમજ અને પ્રજ્ઞાા છે કે નહીં તેનો ખ્યાલ જીવનમાં બનતી ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો અને એમાથી શું શીખો છો તેના પરથી આવે છે.

લીઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતા હતા... એવામાં ઉપરથી એક પાકું- પીળું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલું હતું. ત્યાં સુધી ઝાડની ડાળી સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ એ છૂટું પડવા તૈયાર ન હતું અને જોર કરીને તોડી લો તો એમાંથી ક્ષીર નીકળશે, એ એક પ્રકારનો રક્તપાત છે. જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો, મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમિની જે હાલત થાય, એ જ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની, મૃત્યુ વખતે થાય છે..


લાઓત્સે જેવી વ્યક્તિ એક ખરતા પાનને જોઈને જાગી શકે છે. એ ઘટના પરથી જ એમને ગુરુમંત્ર મળી જાય છે. જે લોકો સંસારને છોડીને ભાગે છે તે મહાપરાણે ઝાડ પરથી પાન તોડવાની કોશિષ કરે છે. મનમાં ક્યાંક એનો ઘા અને સંસાર પ્રત્યેની આસક્તિનો ભાવ સલામત રહે છે.

જ્યારે મનમાંથી આસક્તિ છોડીને સંસારની વચ્ચોવચ્ચ રહેવા છતાં, પૂર્ણ વિરક્તિનો અનુભવ થઈ શકે છે. આટલી એક નાનકડી ઘટના પરથી લાઓત્સે જેવી વ્યક્તિને સમજાઈ જાય છે કે છોડવાની ચીજ સંસાર નહિ પણ સંસાર પ્રત્યેની આસક્તિ છે. આસક્તિ છોડો એટલે પાકા (પીળા) પર્ણની જેમ તમે સરળતાથી છૂટા પડી શકો છો. સંસારની કોઈ ચીજ તમને બાંધી શકતી નથી.

લાઓત્સેએ જોયું કે, આ સૂકા પર્ણ પાસેથી પણ જીવનની ગહનત્તમ વાત શીખવા મળી શકે તેમ છે. એની પાસે પોતાની કોઈ ઇચ્છા નથી હવે એને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે ઉડાડે તો હવામાં ઉપર ઉઠે છે અને ક્ષણમાં નીચે પાડે તો પણ એના મનમાં કોઈ વ્યથા કે વેદના નથી એણે સંપૂર્ણપણે પોતાની જાત હવાને સોંપી દીધી છે.

જીવન પણ શું આ રીતે જીવી ન શકાય ? પરમાત્મા જ્યાં લઈ જાય ત્યાં જવું, જે કરાવે તે કરવું, જીવાડે તો જીવવું અને મારે તો મરવું. સંપૂર્ણ સમર્પણ અને સ્વીકૃતિ સાથે જીવવામાં આવે તો મનમાં ક્યાંય કોઈ પીડા કે ફરિયાદની ભાવના બચતી નથી. લાઓત્સેએ બસ, સૂકા પાંદડાની જેમ જીવવાનું શરુ કર્યું અને તથાતા, તાઓ કે ધર્મની પરમ અનુભૂતિ આપમેળે જ એમના જીવનમાં ઉતરી આવી.

બુદ્ધનો સમય જુદો હતો, આજનો સમય જુદો છે પણ સ્મશાનને સાધના ભૂમિ તો આજે પણ બનાવી શકાય તેમ છે. ત્રણ મહિના તો શું માત્ર ત્રણ દિવસ પણ સ્મશાનમાં બેસીને જુઓ તો આસક્તિની સાંકળ ઢીલી પડીને તૂટવા લાગશે. જે સમજે એને માટે જગત એક મમતાનો ખેલ છે. દુઃખનું કારણ કોઈ ઘટના નહી પણ અંદર પડેલી મમતા છે જેની સાથે મમતાનો સંબંધ છે એ વ્યક્તિનું મૃત્યુ જ વ્યક્તિને હચમચાવી શકે છે. મમતાના તાર તૂટવાથી જ દુઃખ થાય છે.

જેને તમે ઓળખતા નથી, જેની સાથે તમારો મમતાનો કોઈ નાતો નથી તેનું મૃત્યુ તમને રડાવી કે હચમચાવી શકે નહીં. મમતા છૂટી જાય તો જગતની એક પણ ઘટના તમને સુખ કે દુઃખની અનુભૂતિ નહીં આપે. તમે નિષ્કંપ રહીને જીવનની ઘટનાને જોઈ શકશો અને સાક્ષીની જેમજ અનાસક્ત ભાવે જીવી શકશો. સાક્ષીને સુખ કે દુઃખ બેમાંથી એક પણ ભાવ સ્પર્શી શકતો નથી. સાક્ષી ભાવની સાધના છેવટે વ્યક્તિને દ્વન્દ્વથી પાર લઈ જાય છે સુખ કે દુઃખ, વિજય કે પરાજય, માન કે અપમાન બેમાંથી કશું જ એમને સ્પર્શતું નથી. આવી વ્યક્તિ જલકમલવત્ બની જાય છે. જળમાં રહેવા છતાં જળનો જરા પણ સ્પર્શ ન થવો એ સૌથી મોટી સિદ્ધિ છે.

સંસારમાં રહેવા છતાં સંસારનો સહેજે ય સ્પર્શ ન થવો એ જીવનની સૌથી મોટી સાધના અને સૌથી મોટી સિદ્ધિ છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો. પત્ની, બાળકો, બહેન, ભાઈ, સગા- સંબંધી તમારા નિર્જીવ શરીરને જોઈને રડી રહ્યા છે. હવે એમના જીવનમાં કોઈ, આનંદ કોઈ ઉલ્લાસ નહિ આવે એવું ક્ષણભર તમને લાગી શકે છે. તમે જ એમના માટે સુખનું કારણ અને ઉત્સવનું નિમિત્ત હતા એવું થોડા સમય માટે જરૃર જોવા મળશે. તમારી સાથેનો એમનો ઊંડો સંબંધ ક્ષણભર તમને અચંબામાં મૂકી દેશે.

જીવતે જીવ જે તમને જોવા કે અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછીની પળોમાં જોવા અને જાણવા મળશે. બસ, થોડીક સબૂરી અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો પણ તમને જોવા મળશે. આજે જે મીઠાઈ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો સવાલ છે. આજે રંગીન કપડા થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ ફરી તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આ જ ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે.

અહીં કોઈ વિના કશું અટકતું નથી. કોઈના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. પત્ની પણ રુટિન જિંદગીમાં ગોઠવાઈ જશે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે, થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદો વધી જશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિ ચિન્હ જેવી લાગે છે જે જતા દિવસે કોઈ ખૂણામાં ચાલી જશે. અથવા જગા રોકી રહી હોય એવું લાગશે. આજે તમારા માટે બધું જ કરવાની લાગણી દેખાઈ રહી છે તેના સ્થાને ક્યારેક બેંક બેલેન્સ, વીમો, સંપત્તિની વહેંચણી અને વસિયતનામાની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવું જ થતું આવ્યું છે અને થતું રહેશે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલુ ગુમાન ઘટી જશે. પછી જે જવાનું છે તે આજે જ ભલેને થઈ જતું. જે નામ પછી ભૂંસાવાનું છે, જે સંબંધો પછીથી શમી થવાના છે, જે ધન સંપત્તિ પર પછીથી તમારો કોઈ અધિકાર નથી રહેવાનો, જે અહંકારના કારણે આજે માથુ ઉંચુ કરીને જીવવાનું મન થાય છે કાલે તે ચિતામાં લાંબા વાંસથી અંગારા વચ્ચે ધકેલાતું હશે આ વિચાર વ્યક્તિમાં હતાશા અને ઉદાસીનતા લાવે તો એમાં સમજનો અભાવ છે. પણ જો આવી સમજ હળવાશ, નમ્રતા, પ્રેમ અને શેષ જીવનને ઉત્સવભર્યું બનાવે તો જ એની સાર્થકતા...

ક્રાન્તિ બીજ
માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે,
જરૃરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે.


- બૈજુ જાની