♠ સાચો દાનવીર ♠

ઘણાં સમય પહેલાંની વાત છે.એક મોટો દાનેશ્વરી રાજા હતો.એક બીજા રાજાએ યુદ્ધ કરી તેનું રાજ્ય પચાવી પાડ્યું એટલે રાજા પોતાની પત્ની સાથે ભાગી છૂટ્યો અને નજીક આવેલા મોટા જંગલમાં સંતાઇ રહેવા લાગ્યો.

રાજાના જ્યારે સારા દિવસો હતા ત્યારે તેની પાસેથી કોઇપણ મદદ લેવા આવનાર ખાલી હાથે પાછું ગયું નહોતું.ખૂબ જ દિલથી છૂટા હાથે દરેકને મદદ કરતો હતો.રાજા અને તેની પત્નીએ વિચાર્યું કે ભગવાન એમના સંકટ સમયે તેમની ઉદારતા,પુણ્યના ફળરૂપે જરૂર મદદ કરશે.કોઇની પાસેથી મદદ અપાવશે.પરંતુ એવું ન થયું.રાજા અને તેની પત્નીની હાલત દિવસેે દિવસે વધુને વધુ ખરાબ થવા લાગી.ત્યા સુધી કે એમને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નહોતું એટલે તેઓ બંને  ભૂખે મરવા લાગ્યાં.

એક દિવસ છૂપા વેશે રાજા બાજુમાં આવેલા એક મોટા ગામમાં મજૂરી કરવા ગયો.જે પૈસા મળ્યા તેમાંથી ખાવા માટે સામગ્રી ખરીદી અને પોતાની પત્ની પાસે આવ્યો.

બંને ખૂબ જ પ્રસન્ન હતા અને વિચારવા લાગ્યા.''હાશ!હવે આજે ઘણા દિવસો પછી પેટ ભરીને ભોજન કરવા મળશે''

ભોજન તૈયાર થયા પછી બન્ને જમવા બેઠા.બરાબર એજ સમયે એક સાધુ એમના દરવાજે આવ્યો.દયાળુ રાજા અને તેની પત્નીએ પોત-પોતાના ભાગમાંથી એક એક રોટલી સાધુને આપી દીધી.

એ દિવસે રાજા મજૂરી કરવા ગયો ત્યારે તેણે એક એવા શેઠ વિશે વાત સાંભળી હતી કે જે પુણ્યના બદલે પૈસા આપતો હતો.રાજાએ આ વાત પોતાની પત્નીને કહી.

બન્ને જણાએ નક્કી કર્યું કે ચાલો આપણે પણ આપણું પુણ્ય વેચી એ શેઠ પાસેથી પૈસા લઇ આવીએ.

બીજા દિવસે બંને પતિ - પત્ની એ શેઠ પાસે ગયાં.શેઠના હાથમાં પોતાના કરેલા પુણ્યની યાદી મૂકી.જ્યારે શેઠે વજન કરવા માટે આવી પડેલા ત્રાજવામાં એ યાદી મૂકી તો પણ બન્ને પલ્લાં સરખાં જ રહ્યાં.

આ જોઇને શેઠે રાજાને કહ્યું : ''ભાઇ! મને લાગે છે કે તમે કરેલા પુણ્યમાં તમારી મહેનત અને ત્યાગ નહોતા માટે કોઇ એવી વસ્તુને યાદ કરો કે જેની તમને જરૂર હોવા છતાં તમે તેનું દાન કર્યુ હોય.''

આ સાંભળી રાજાને પેલા સાધુને આપેલી રોટલી યાદ આવી.તરત જ તેણે યાદીમાં એ પુણ્ય ઉમેરી દીધું.

એની સાથે જ પુણ્યનું પલ્લું એકદમ નમી ગયું.બરાબર પલ્લાં કરવા માટે શેઠે સામેના પલ્લામાં વધુ માત્રામાં સોનાના સિક્કા મૂક્યા ત્યારે જ બન્ને સરખા થયાં.

આ ચમત્કાર જોઇને રાજાને સમજાઇ ગયું કે નિસ્વાર્થ ભાવે કરેલું દાન જીવનભર વગર મહેનતે પૈસા વડે કરેલાં દાન કરતાં વધું મોટું છે.

જેની પાસે અઢળક સંપત્તિ હોય એ તો સહુ કોઇ દાન કરે પરંતુ જેની પાસે કંઇ જ ના હોય છતા દાન કરે તે જ સાચો દાનવીર.એટલે જ તો જ્યારે ઇતિહાસમાં થઇ ગયેલાં દાનવીરોની વાત આવે ત્યારે દાનવીર કર્ણ અચૂક યાદ આવે છે.

દીન-દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભકારક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ વગેરે સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠી ચણા આપવા એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સુવર્ણ, અલંકારોનું દાન તથા પોતાના વજન જેટલા ધનનું દાન (તુલાદાન) આપવામાં આવે છે તેનાથી એટલો લાભ થતો નથી જેટલો લાભ આપત્તિવેળાએ આપેલા થોડા-સરખા દાનથી થાય છે. તેથી દરેક મનુષ્યે આપત્તિગ્રસ્ત, અનાથ, લૂલાંલંગડાં, દુઃખી, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન-મોટાઈ-પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન છે, કારણ કે માન-મોટાઈ-પ્રતિષ્ઠા પણ પતન કરનારા છે.