♠ પરસેવાની કમાણી ♠

એક મજૂરને કામ કરતાં ખૂબ કંટાળો આવવા લાગ્યો એટલે બીજે નોકરી શોધવા લાગ્યો.ત્યાં એકાદ મહિનો કામ કર્યા પછી ત્યાં પણ ન ફાવ્યું.તે દરમિયાન તેને એક સંશોધક મળી ગયાં.

તેમણે કહ્યું, ''તારે કંઇ કામ  નહીં કરવાનું તેના તને પૈસા મળશે,બોલ તું કામ વગર રહી શકીશ?''

મજૂર તો ખૂબ ખુશ થઇ ગયો.કંઇ કામ નહીં કરવાનું છતાં પૈસા મળશે.

સંશોધકે કહ્યું,''તારે મારી સાથે ''કોન્ટ્રાક્ટ (કરાર) કરવો પડશે.તારે બીજું કંઇ કામ કરવું નથી.માત્ર હોટલનાં સુંદર રૂમમાં રહેવાનું જ છે. મજૂરે હા પાડી દીધી.

સંશોધકે પૂછયું, '' અત્યારે તને કેટલો પગાર મળે છે? ''

મજૂરે કહ્યુ,''બે હજાર.''

સંશોધકે પૂછયું, ''તને મહિને બે હજાર મળે છે,હું તને દરરોજ બે હજાર આપીશ,બોલ તારે રહેવું છે? ''

મજૂર તો આ સાંભળી અવાક બની ગયો અને તેણે તરત જ હા પાડી દીધી  અને કહ્યુ, ''મારે શું કરવાનું તે મને સમજાવી દો.''

સંશોધકે કહ્યું, ''તારે હોટેલના એક રૂમમાં રહેવાનું,બે ટાઇમ જમવાનું મળી જશે,માત્ર નિરાંતે જમવાનું.''

મજૂરે કહ્યું, ''માત્ર એટલા કામના રૂ.બે હજાર મળે તો મજા પડી જાય.''

પરંતુ સંશોધકે કહ્યું, ''તેમાં એક શરત છે.ત્રણ મહિના પહેલાં તુ જતો રહે તો આ રકમ તને નહીં મળે.''

મજૂરે કહ્યું,''એમાં શું છ મહિના પણ રહી શકીશ.

પહેલાં દિવસે તેણે સંપૂર્ણ આરામ કર્યો.બીજા દિવસે સોફા ઉપર ૨૦૦ કૂદકા મારી દિવસ પસાર કર્યો.ત્રીજા દિવસે કામ વગર કંટાળી ચપ્પા વડે ટાઇલ્સ ખોદવા માંડ્યો ને પાંચમાં દિવસે તો ઘરનું બારણું તોડી ભાગી ગયો અને એ રૂમમાં પોતાના હાથે લખેલી એક ચિટ્ઠી મૂકતો ગયો જેમાં લખ્યું હતુ,  " આવા પૈસા મારે નથી જોઈતા સાહેબ...આમ બેઠા બેઠા મોજશોખથી પૈસા તો મળે પણ જે અંતરનો આનંદ ના મળે. આના કરતા તો કોઈ જગ્યાએ સખત વૈતરું કરીને સાંજે ટંક ખાવાના પૈસા મળે ને તો પણ શાતા મળે...મને માફ કરજો સાહેબ..મારે બેઠા - બેઠા કમાઈને પાગલ થવું નથી.."

આપણે પણ આ મજૂરની જેમ જો કોઈ કામ વગર જ બેસી રહીએ તો ક્યાંય મન લાગે નહિં..પછી ભલે બેસવાના પણ પૈસા આપે..પણ, કહેવત છે કે 'નવરો બેઠો નખ્ખોદ વાળે' એમ કામ વિનાનો માણસ નકામો જ લાગે છે.

કામ ભલે ગમે તેવું હોય પણ તે કરવાનો આનંદ હોવો જોઈએ..આ મજૂરની જેમ બેસી રહેવાથી પહેલાં તો થોડી મજા આવે પણ પછી એ ખાલીપો આપણને ખાવા દોડે છે...એટલે જ સંશોધકે સમજી વિચારીને તેને બેસવા માટે પૈસાની ઓફર કરેલી..કારણ કે, તેને ખબર જ હતી કે કોઈપણ માણસ વગર કામનો લાંબો સમય રહી શકે નહિં...!!

માણસ આળસુ બની જાય તો તેનામાં જીવંતતા રહેતી નથી.સતત ક્રિયાશીલ રહેવું એ સહજ પ્રક્રિયા છે.કહેવાય છે ને કે, ''ખાલી દીમાગ, શેતાનનું કારખાનું.'' કર્મનો મહિમા અપાર છે.દરેકે કર્મ કરવું જોઇએ.