♠ વાહ ખૂબ ! ♠

બિરબલે તીર-કામઠાં આપ્યાં. બાદશાહે નિશાન તાક્યું. પણ હઠ ! નિશાન ખાલી ગયું અને પક્ષી ઊડી ગયું.

પ્રશંસા કરવામાં પણ આવડત જોઇએ. એ આવડત હોય એટલે ગાડું ચાલ્યું.

બિરબલ આખો વખત બાદશાહની પ્રશંસા કર્યા કરતો. બાદશાહને ક્યારેક એ ગમતું પણ નહિ. એક વાર તો તેમણે નક્કી કર્યું કે આ મસ્કાબાજ બિરબલનો સીધો જ કરવો.

એકવાર બાદશાહ અને બિરબલ અગાશીમાં હતા. એક પક્ષીને જોઇ બાદશાહ કહે : ''બિરબલ ! હું ધારું તો પેલા દૂરના પક્ષીને જરૃર વીંધી કાઢું. બોલ !''

બિરબલ કહે : 'વાહ ! આપની નિશાનબાજીનું તે શું કહેવું !'

બાદશાહ કહે : 'તો લાવ તીર-કામઠાં.'

બિરબલે તીર-કામઠાં આપ્યાં. બાદશાહે નિશાન તાક્યું. પણ હઠ ! નિશાન ખાલી ગયું અને પક્ષી ઊડી ગયું.

બિરબલ એકદમ બોલી ઊઠયો : 'વાહ ખૂબ ! વાહ ખૂબ !!'
બાદશાહ નારાજ થઇ ગયા. તેઓ કહે : 'નિશાન ખાલી ગયું અને છતાં તું વાહ ખૂબ કરે છે ? ખોટી સ્તુતિ એ અપમાન છે, જાણે છે ને બિરબલ ?'

બિરબલ કહે : 'વાહ ખૂબ !'

બાદશાહે ગુસ્સે થઇ ને કહે : 'બિરબલ !'

બિરબલ હસીને કહે : 'શાંત થાઓ નામદાર ! મેં સ્તુતિ આપની નિશાનબાજીની નથી કરી, આપનામાં રહેલી પક્ષીઓ તરફની દયાની કરી છે. આપનામાં જીવ પ્રત્યે એટલી દયા છે હજૂર કે આપ મારી શકો છો છતાં મારતા નથી. નિશાનબાજી તો આપની અટલ છે વાહ ખૂબ ! પણ અચ્છી નિશાનબાજી વખતે આપનામાં જીવ પ્રત્યે દયા ઊભરાઇ જાય છે માટે જ આપ તેને વીંધતા નથી. વાહ ખૂબ !'

બાદશાહે હસી દીધું. તેઓ કહે : 'બિરબલ ! તને તે કેવી રીતે પકડવો એ જ સમજાતું નથી. જબરો છે તું !'