♥ અસીમ ધૈર્ય ♥

ગ્રીષ્મની બળબળતી બપોરનો સૂર્ય આકાશમાંથી અગનગોળા વરસાવતો હતો. ભગવાન બુદ્ધ એમના શિષ્ય ભિખ્ખું આનંદ સાથે વિહાર કરતા હતા. કાળઝાળ ગરમી અને દીર્ઘ વિહારને કારણે ભગવાન બુદ્ધને તૃષા લાગી.

એમણે પ્રિય શિષ્ય આનંદને કહ્યું, ''આપણે વિહાર કરતા હતા, ત્યારે માર્ગમાં કલકલનાદે વહેતું નાનકડું ઝરણું જોયું હતું. એ ઝરણું જોઇને મારા ચિત્તે અપાર પ્રસન્નતા અનુભવી હતી. તો આનંદ,
એ ઝરણા પાસે જઇને પાણી લઇ આવ, અતિ તૃષા લાગી છે.''

ભિખ્ખુ આનંદ એ ઝરણા પાસે ગયા. આસપાસની પ્રકૃતિ અને વહેતા ઝરણાંનો મધુર તાલબદ્ધ ધ્વનિ આનંદના અંતરને પુલકિત કરી રહ્યા. એમણે ઝરણામાંથી પાણી લેવા માટે પાત્ર નીચું વાળ્યું, પણ પાણી લેતા થંભી ગયા. બન્યું હતું એવું કે આ
ઝરણાના માર્ગમાં કેટલાક રથો પસાર થયા હતા. એ રથને કારણે આ ઝરણાનું જળ મલિન બની ગયું હતું. આવું ધૂળવાળું કાદવ- કીચડવાળું જળ કઇ રીતે લઇ જાય ? આથી ભિખ્ખું આનંદ પાછાં ફર્યા.

એમણે આવીને ગૌતમ બુદ્ધને કહ્યું, ''ઝરણાંનું
પાણી અત્યંત મલિન હતું. આ નાના ઝરણાં વચ્ચેથી કોઇ રથ પસાર થયા હોવાથી એનું પાણી ધૂળથી મેલું થઇ ગયું અને કાદવ- કીચડ ઉપર આવી ગયા, આથી હું પણ લાવ્યો નથી. જો તમે
આજ્ઞાા આપો તો થોડે દૂર આવેલી નદીમાંથી પાણી લઇ આવું.''

ગૌતમ બુદ્ધે કહ્યું, ''ના, એટલે લાંબે અંતરે જવાની જરૂર નથી. થોડીવાર પછી પુનઃ જઇને ઝરણાનું પાણી લઇ આવું.''

થોડીવાર થઇ. બુદ્ધના આદેશ પ્રમાણે ભિખ્ખુ આનંદ પુનઃ ઝરણાં પાસે ગયા, પરંતુ મલિન જળ જોઇને પાછા આવ્યા.

ફરી ભગવાન બુદ્ધને કહ્યું, 'હજી ઝરણાનું પાણી અશુદ્ધ જ છે. આપ કહો તો નદી પરથી પાણી લઇ આવું.'

ભગવાન બુદ્ધે કહ્યું, ''આનંદ, થોડીવાર પછી પુનઃ ઝરણા પાસે જજે, ત્યાંથી શુદ્ધ પાણી મળી રહેશે.''

ભિખ્ખુ આનંદ ત્રીજી વાર એ ઝરણા પાસે પહોંચ્યા. એમણે જોયું તો પહેલા પાણીમાં જે કાદવ-કીચડ હતાં, તે તળિયે બેસી ગયા હતા. મલીન પાણી વહી ગયું હતું. જલપાત્રમાં નિર્મળ જળ લઇને આનંદ પાછા આવ્યા. તે બુદ્ધના ચરણોમાં નમ્યા અને બોલ્યા.

''ઓહ, આજે આપે મને કેવો મહાન ઉપદેશ
સમજાવ્યો. આનાથી મને ખ્યાલ કે જીવનમાં કશું જ સ્થાયી નથી. માત્ર ધૈર્ય જોઇએ.''

♥ બોધ ♥

હકીકતમાં માનવી દુઃખ આવતા માની લે છે કે આ દુઃખ હંમેશા રહેવાનું છે અને સુખ આવતા એમ સમજવા લાગે છે કે હવે જીવનમાં સુખ સિવાય બીજું કશું નથી. દુઃખની વેળાએ એ ધૈર્ય ગુમાવે છે અને સુખને સમયે એ સમજ ખોઇ બેસે છે.પરિણામ
એ પરિસ્થિતિની કે જીવનની અનિત્યતાને જોઇ
શકતો નથી અને સઘળું નિત્ય માનીને જીવે છે. જે જીવનની પરિસ્થિતિની અનિત્યતાને જુએ છે તે જીવનના નિત્ય આનંદને માણી શકે છે. આને માટે ભિખ્ખું આનંદ સમજ્યો તેમ ધૈર્ય જોઇએ. આ ધૈર્ય જ માણસને બધી સ્થિતિમાં આનંદિત અને
પ્રફુલ્લિત રાખે છે.

★ ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ ★

No comments:

Post a Comment