♠ સંતનું સંતત્વ ♠

આજથી ૧૮૪ વર્ષ પહેલાંની આ વાત છે.એ વખતે આપણાં દેશમાં અંગ્રેજોનું શાસન હતું.મુંબઇ ઇલાકાના ગવર્નર સર જ્હોન માલ્કમ ભારતિય સંસ્કૃતિથી પ્રભાવિત હતાં.એ વખતે સહજાનંદ સ્વામીનો ગુજરાત - સૌરાષ્ટ્રમાં ભારે પ્રભાવ હતો.
સર જ્હોન માલ્કમે સ્વામીજીને રાજકોટ પધારવા આમંત્રણ આપ્યું અને ભગવાન રાજકોટ પધાર્યાં.ફેબ્રુઆરી મહીનાની 26 મી તારીખે 1830માં રાજકોટમાં મુલાકાત થઇ.ગવર્નર ખૂૂબ ખુશ થયાં અને ભાવપૂર્વક વંદન કર્યાં.

સ્વામીજીએ રાજકોટમાં હરિભક્તોની સભા કરી.ત્યાં બોરડીનું ઝાડ હતું.બોરડીની છાયામાંજ સ્વામીજીનું આસન હતું.આ સમયે યોગીરાજ મહાન તપસ્વી સંત ગોપાળાનંદજી તે બોરડી નીચેથી પસાર થયાં અને બોરડીના કાંટા તેમણે માથે પહેરેલી પાઘડીમાં ભરાયાં.અચાનક જ ગોપાળાનંદ સ્વામી બોલી ઉઠ્યાં, '' હે બોરડી ! પૂર્ણ પુરૂષોત્તમ સ્વામી સહજાનંદનો સાક્ષાત સંબંધ થયો છતાં તારો સ્વભાવ છોડ્યો નહિ? ''

આ બોલતાં જ બોરડીનાં તમામ કાંટા ખરી પડ્યાં અને આ બોરડી જે ''બદરીવૃક્ષ'' તરીકે ઓળખાય છે તે કાંટા વગરની થઇ ગઇ.સંતના શબ્દોનો આ તે કેવો ચમત્કાર !

રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પરનાં શ્રીજી મહારાજનાં સંસર્ગવાળી પ્રસાદીભૂત આ બોરડી આજે પણ આ સ્થળે ત્યાં ભવ્ય નિર્માણ પામેલ સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં અડીખમ ઊભી છે.હરિભક્તો અને ભાવિકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે.આશરે ૨૦૦ વર્ષ પૂરાણી આ બોરડીને ગુજરાતના હેરીટેજ વૃક્ષોમાંના એક વૃક્ષ તરીકે સ્થાન મળ્યું છે.

સંત સમાગમથી એક નિર્જીવ વૃક્ષના સ્વભાવમાં પરિવર્તન થતું હોય તો માનવ સ્વભાવમાં પરિવર્તન થાય તેમાં શી નવાઇ?

No comments:

Post a Comment