વૈકુંઠનો સાચો અધિકારી

ભગવાન વિષ્ણુએ એકવાર જય-વિજય
નામના તેમના દ્વારપાળોને પૃથ્વી પર
મોકલ્યા અને તેમને કહ્યું - ''ધરતી પર જઈને
એ વાતની તપાસ કરો કે અત્યારે
કેટલી વ્યક્તિઓ વૈકુંઠ
ધામની અધિકારી છે ? આ
બધામાં સૌથી વધુ પુણ્ય કોનું છે ?
જય-વિજય પોતાનું વિમાન લઈને
ધરતી પર આવ્યા.
વૈકુંઠના સાચા અધિકારીને
શોધવા આખી પૃથ્વીને ખૂંદી કાઢી. તેમણે
જોયું તો આખી ધરતી પર લોકો કોઈને
કોઈ ધર્મકાર્ય કરી રહ્યા છે. કોઈ ભગવાન
પૂજન કરે છે તો કોઈ દર્શન, કોઈ સેવા કરે છે
તો કોઈ સ્મરણ. કોઈ યજ્ઞા- યાગ કરે છે
તો કોઈ તીર્થાટન. જય-વિજયે તે
બધાની વિગતો નામઠામ સાથે
લખી લીઘી. આ રીતે પરિભ્રમણ
કરતા કરતા તે જેમને મળતા તેમને
પૂછતા હતા, ''અરે ભાઈ ! તમે આ બધું
શેના માટે કરો છો ?'' તો તે જવાબ
આપતા - ''આ માનવ જીવન તો ક્ષણભંગુર
છે ગમે ત્યારે મૃત્યુ આવી જાય ! ભગવાનનું
પૂજન- અર્ચન કરીએ તો ભવ
ફેરામાંથી છૂટાય અને
જ્યાં ગયા પછી પાછા ન ફરવું પડે એ વૈકુંઠ કે
સ્વર્ગની પ્રાપ્તિ થાય.''
આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં તે
જ્યાં વિષુવવૃત્ત રેખા પસાર
થતી હતી એવા ગાઢ
જંગલોથી ઘેરાયેલા એક
ગામમાં પહોંચ્યા રાત પડી ગઈ હતી.
ચોમેર અંધકાર છવાઈ ગયો હતો. તેમણે
જોયું તો એક વૃદ્ધ
માનવી દીવો પ્રગટાવીને
ખાટલો ઢાળીને બેઠો છે. જય-
વિજયના પગલાનો અવાજ સાંભળી તેણે
એ બન્નેનું પ્રેમાળ શબ્દોથી સ્વાગત કર્યું.
થોડીવાર માટે
એમના ઝૂંપડામાં આવી સ્વસ્થ થવા સૂચન
કર્યું. તે બન્ને તેમની પાસે ગયા અને તેનું
નામ પૂછયું. તે વૃદ્ધે પોતાનું નામ આપ્યું
અને કહ્યું - ''ઇશ્વરે મારી બન્ને
આંખોની રોશની લઈ લીધી છે. પણ એ
તો મારા કર્મનું ફળ હશે. મને ઇશ્વર સામે
કોઈ ફરિયાદ નથી.'' બન્નેએ વૃદ્ધને પૂછયું,
''તમે અહીં ખાટલામાં બહાર
દીવો પ્રગટાવીને કેમ બેઠા છો ? તમે કશું
દેખી શકતા તો છો નહીં !'' પેલા વૃદ્ધે
જવાબ આપતા કહ્યું ''હું તો આખી રાત
દીવો ચાલુ રાખીને અહીં દરરોજ બેસું છું.
આ દીવો અહીંથી પસાર થતા મુસાફરોને
અંધારામાં માર્ગ દેખાય એટલા માટે કરું
છું.'' જય-વિજય એ વૃદ્ધના ઝૂંપડામાં જ
રાત રોકાઈ ગયા. બીજા જે મુસાફર
ત્યાંથી પસાર થતા તેમને
પ્રેમથી બોલાવતો. તેમના હાથપગ ધોઈ
આપતો થાક ઉતારવા ખાટલા પર
બેસાડતો. દીવાનો પ્રકાશ રસ્તા પર
ધરી એમને આગળનો રસ્તો બતાવતો.
સવાર પડી એટલે એ વૃદ્ધ
માનવી સૂવાની તૈયારી કરવા લાગ્યો.
જય-વિજયે પૂછયું, ''તમે ભગવાનનું પૂજન-
અર્ચન કે કીર્તન વગેરે કરો છો ખરા ?''
પેલા વૃદ્ધ માનવીએ કહ્યું, ''ના, હું એવું
કાંઈ કરતો નથી. રાતે મુસાફરોને
દીવાના પ્રકાશથી રસ્તો બતાવું છું. અને
દિવસે સૂઈ જાઉં છું. આ બે જ મુખ્ય કામ હું કરું
છું.'' જય-વિજયે તેમની રજા અને પોતાના
કામ માટે પાછા આગળ વધી ગયા.
થોડા સમય પછી એ પાછા વૈકુંઠ
લોકમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને
મળી પોતાની શોધખોળનો વૃત્તાંત રજૂ
કર્યો.
જય-વિજયે પોતાનો ચોપડો ભગવાનને
સુપરત કર્યો અને કોણે કોણે કેવા યજ્ઞા-
યાગ, વ્રત- ઉપવાસ, પૂજા- પાઠ અને
ભજન-કીર્તન કર્યા હતા તે નોંધ
બતાવી ભગવાન
એના પાના ઉથલાવવા લાગ્યા.
એમાં લખેલી વિગત વાંચી લેતા. એમ
કરતા કરતા ભગવાન વિષ્ણુ
નોંધપોથીના એક પાના પર
લખાયેલી વિગત વાંચી ત્યાં જ
અટકી ગયા. ભગવાન બોલી ઉઠયા, ''બસ,
આ જ છે વૈકુંઠનો સાચો અધિકારી !'' જય
વિજયે પાસે આવીને જોયું તો તે પૃષ્ઠ પર
તો પેલા વૃદ્ધ
માનવીની વિગતો લખાયેલી હતી. જય-
વિજયના મુખેથી આશ્ચર્યનો ઉદ્ગાર
સરી ગયો - ''અરે ! પેલો વૃદ્ધ માનવી ?
એ વૈકુઠનો અધિકારી ? એ
તો સ્વર્ગનો અધિકારી પણ નથી. એ
કદી તમારી પૂજા- અર્ચના કરતો નથી.
ક્યારેય નામ-સ્મરણ પણ કરતો નથી.''
ભગવાન વિષ્ણ્ુએ એમની ધીર-ગંભીર
વાણીમાં એમને સમજાવ્યું, ''પૂજન- અર્ચન,
વ્રત- ઉપવાસ અને ભજન-કીર્તન વગેરે
પ્રક્રિયા એટલા માટે છે કે
એના થકી માનવ આત્મ-અભિમુખ થઈ
સર્વમાં વ્યાપેલા મને નિહાળી શકે.
એમની સાથે વ્યવહાર કરતી વખતે તે
મારી સાથે જ વ્યવહાર કરી રહ્યો છે એવું
સમજી શકે. જે દરેક સ્થળે અને દરેક
પ્રાણીમાં મને નિહાળતો ન હોય અને દરેક
ક્રિયાને મારી ઉપાસના સમજીને સમ્યક્
રીતે કરતો ન હોય તે પુણ્યના સ્થૂળ
ક્રિયાકલાપો યંત્રવત્ કરતો રહે તેનો કોઈ
અર્થ નથી. પેલો વૃદ્ધ માનવી દરેક
વ્યક્તિમાં ઇશ્વરનું રૃપ જોઈ
તેની સેવા કરવા તન્મય રહે છે. આ
એની સૂક્ષ્મ ઉપાસના છે એટલે એને
બીજી કોઈ ઉપાસનાની સ્થૂળ ક્રિયાઓ
કરવાની જરૃર નથી. પ્રત્યેક પ્રાણીને
મારી કૃતિ સમજીને તે તેમની નિઃસ્વાર્થ
સેવા કરે છે એટલે એ જ
વૈકુંઠનો સાચો અધિકારી છે !''