♠ મૃત્યુ ♠

♥ સ્પાર્ક - વત્સલ વસાણી ♥

એકરાજા વહેલી પરોઢે એને એક સ્વપ્ન આવ્યું,
જેમાં મૃત્યુના દેવતાએ એને ચેતવણી આપી કે -

'આજે સૂર્યાસ્ત સમયે તારું મોત છે.' અને એ ભયજનક ચેતવણીની સાથે જ રાજાની ઊંઘ ઊડી ગઈ. એ અકળાયો. શું કરવું તે સૂઝયું નહીં. એટલે તત્કાળ વજીરને તેડાવ્યો.

વજીરે વિચારના અંતે એક યુક્તિ સૂચવી,

'આપની પાસે પવનવેગી, પાણીદાર જે ઘોડો છે તેના પર બેસી સૂર્યાસ્ત પહેલાં, ક્યાંક એટલે દૂર નીકળી જાવ, જ્યાં મૃત્યુ આપને પકડી કે શોધી ન શકે.'

રાજાને વાત વાજબી લાગી.

વજીરની બુદ્ધિ માટે માન પણ થયું. પાણીદાર ઘોડા પર બેસી, ઘડીનાય વિલંબ વિના એ દોડવા લાગ્યો. ન તરસ, ન ભૂખ, ન થાક, ન સંકટ કશાનીય પરવા વિના પોતાના રાજ્યની સરહદ
વટાવી એ આગળ નીકળી ગયો. ઘોડો અવિરામ દોડયે જાય છે. પોતે પસીને રેબઝેબ છે. સૂર્યનારાયણ ઢળવાની અણી પર છે. રાજા 'હાશ !'
કહીને ઘોડાને ઊભો રાખે છે અને એક વૃક્ષની નીચે વિશ્રામ કરે છે. ઘોડાની પીઠ થાબડી રાજા કહે
છે : 'શાબાશ ! તેં મને બચાવી લીધો છે. હવે મને મોતની તો શું કોઇનીય પરવા નથી. હવે હું નિર્ભિક છું.' અને એ શબ્દની સાથે જ એક અદ્રશ્ય
પંજો રાજાની પીઠ પર પડયો.

'શાબાશ, મને પણ ચિંતા હતી કે સૂર્યાસ્ત સુધીમાં તું અહીં શી રીતે આવી શકીશ ?.... પણ ઘોડો ખરેખર પાણીદાર છે. એ તને નિશ્ચિત સમય પર બરાબર એજ જગ્યાએ ઉપાડી લાવ્યો છે જ્યાં તારું મૃત્યુ નિર્મિત હતું.'

'આજે વહેલી પરોઢે મને ખરેખર ચિંતા થયેલી કે તું
આટલા ઓછા સમયમાં આટલે દૂર શી રીતે આવી શકશે ? અને એ ચિંતાના કારણે જ મારે તારા સ્વપ્નમાં આવવું પડયું.'

♥ કથાનો સાર સુંદર છે. સમજદારના અંતરમાં છેક ઊંડે સુધી ઊતરી જાય એવો છે. મૃત્યુના દૂતે સંદેશો તો આપણને પણ આપ્યો છે. જીવનની પરોઢ જેવી ઊગે છે, મૃત્યુની સાંજનો સંદેશો પણ આપણને મળી જતો હોય છે. અને પછી સવારથી સાંજ સુધીમાં મૃત્યુથી બચવાના વ્યર્થ ઉપાયોમાં આપણે અટવાઇ જઇએ છીએ. કોઇ ધન પાછળ પાગલ બનીને મૃત્યુથી બચવાના તમામ ઉપાય યોજે છે. ધન એને મન સુરક્ષાનો માર્ગ છે. કોઇ પદ પાછળ દોડમદોડ કરી કીર્તિ ને નામના દ્વારા મૃત્યુથી બચવાના વલખા મારે છે. પણ નામ અહીં ક્યારે ને કોનું અમર રહ્યું છે ? જેનું આજે જગત ભરમાં નામ છવાયું છે તે પણ જીવનની સાંજ થતાં થતાંમાં સાવ નામશેષ થઇ જશે. સમય કોઈનાય પગલાને અહીં શાશ્વત થવા દેતો નથી. કાળની કેડી સાવ કોરી છે. ત્યાં પગલા પાડો ન પાડો ને ભૂંસાઈ જાય છે.

ઓશો આ કથાના સંદર્ભમાં કહે
છે ....જીવનમાં સૌથી રહસ્યપૂર્ણ કોઇ
બાબત હોય તો તે મૃત્યુ છે. રોજેરોજ અનેક
લોકોને મરણ પામતા જોવા છતાં આપણે
મૃત્યુને જોઇ કે સમજી શકતા નથી. મૃત્યુ
વિશે આપણે માત્ર અનુમાન કરીએ છીએ.
શરીર છોડીને જીવાત્મા અહીંથી જાય
એ પછી ક્યારેય કોઈએ પાછા ફરીને કહ્યું
નથી કે મારું મરણ થયું છે.
શરીરમાંથી જીવાત્મા જે ક્ષણે છૂટો પડે છે
તે ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ. પણ એ
ખરેખર મૃત્યુ નથી. (દેહનું) મૃત્યુ
થવાથી તેમાં રહેલો જીવાત્મા કે માણસ
પણ મરી ગયો એવું આપણે કેવી રીતે
કહી શકીએ ? કેમ કે શરીરથી અલગ
પડેલો આત્મા નથી દેખાતો કે
નથી બોલતો. આથી આપણે ધારી લઈએ
છીએ કે ફલાણા ભાઈનું મૃત્યુ થયું.
જે જાણે છે તે તો કહે જ છે કે મૃત્યુ એ એક
ભ્રાંતિ, એક અનુમાન છે. મૃત્યુને જો ખરેખર
જાણવું હોય તો - સ્વાનુભવ
કરવો જોઈએ. આવો સ્વાનુભવ ભૌતિક
મૃત્યુ પહેલા પણ કરી શકાય છે. આ
માટેનો ઉપાય છે ધ્યાન.
ધ્યાનની ઊંડી અનુભૂતિ વખતે
વ્યક્તિ શરીરથી પૃથક્ હોવાનો અનુભવ
કરી શકે છે. શરીર અને પોતે જુદા છે
એવો અનુભવ ધ્યાનની શાંત
ક્ષણોમાં સંભવી શકે છે. માટે
જેના મનમાં પણ મૃત્યુ શું છે,
એવી જિજ્ઞાાસા થાય તેણે અનિવાર્ય
રીતે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ કોઇ
ક્રિયા નહીં, એક અવસ્થા - એક સમજ છે.
શરીરથી અને મનથી કશું જ ન કરતા હોઇએ
ત્યારે જ ધ્યાનની ઝલક મળે છે.
આવી ક્ષણો દરેકના જીવનમાં અનાયાસે
આવે છે પણ એ ક્ષણોને શાશ્વત
બનાવી જીવી શકાય છે.

ઓશો કહે છે  આ પ્રત્યક્ષ જગત કરતાંય અંદરનું એક અદભુત રહસ્યમય જગત છે અને એને જાણવું હોય તો ધ્યાન સિવાય બીજો કોઇ ઉપાય નથી.
આજના સમયમાં માનવ જાતને બચાવી લેવાનો એક જ ઉપાય છે અને તે બબધ્યાન. ધ્યાન જ શાશ્વત જીવનનો એકમાત્ર સારસંદેશ છે.

♥ ક્રાન્તિ બીજ ♥

નથી બે ગજ ધરાથી કંઈ વધારે માનવી માટે !
ખબર છે તોય એ તરસ્યા કરે શાને ભવન
માટે ?

- આતિશ પાલનપુરી