કર્મોનું વાસ્તવિક સ્વરૂપ

એક દિવસ રાજા ભોજ ગાઢ
નિદ્રામાં સૂતેલો હતો ત્યારે એને એક
સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને એક અત્યંત
દૈદીપ્યમાન વૃદ્ધ પુરુષના દર્શન થયા.
ભોજ રાજાએ તેમને પૂછયું- 'મહાનુભાવ !
તમે કોણ છો ?' તે વૃદ્ધ માનવીએ
પ્રત્યુત્તર આપતાં કહ્યું- 'હું સત્ય છું. તને
તારા કાર્યોનું વાસ્તવિક સ્વરૃપ
બતાવવા આવ્યો છું. તું મારી પાછળ,
પાછળ આવ અને તારા કાર્યોનું વાસ્તવિક
સ્વરૃપ તારી નજરે જ નિહાળ.' એ વૃદ્ધ પુરુષ
ચાલવા લાગ્યો અને રાજા ભોજ
તેની પાછળ પાછળ ગયો.
માર્ગમાં વૃદ્ધ પુરુષે રાજા ભોજને તેણે
કેવા સત્કાર્યો કર્યા છે તે વિશે પૂછયું.
ભોજ રાજાએ કહ્યું- 'મેં
ઇષ્ટાપૂર્તના બધા કાર્યો કર્યા છે.
યજ્ઞા- યાગ, પૂજન- અર્ચન, કીર્તન-
નામસ્મરણ, વ્રત-ઉપવાસ, તીર્થાટન-
દાન ઉપરાંત મંદિર નિર્માણ, વાવ-
કૂવા બનાવવા, રસ્તાઓ અને
ઉદ્યાનો બનાવવા એવા પુણ્યના અનેક
કાર્યો કર્યા છે.' આ વિશે વાત કરતા પણ
ભોજ અત્યંત ગર્વ અનુભવતો હતો એવું એ
વૃદ્ધપુરુષને લાગ્યું.
વૃદ્ધ પુરુષના રૃપમાં સત્ય રાજા ભોજને
સર્વપ્રથમ રાજાએ બનાવેલા એક રમણીય
બાગમાં લઇ ગયા. બગીચામાં ચારે તરફ
ફરતાં ભોજે કહ્યું- આ વૃક્ષો મેં જ
વાવ્યા છે. એમને પાણી પણ મેં જ
પીવડાવ્યું છે. જુઓ, આના પર કેવા સુંદર
ફૂલો ઊગ્યા છે ! પેલા વૃક્ષ પર કેવા સરસ
ફળો લાગ્યા છે ! વૃદ્ધ પુરુષ એક વૃક્ષ પાસે
ગયા અને તેને હાથથી સ્પર્શ કર્યો. એને
સ્પર્શ કરતાં જ એના પુષ્પ- પર્ણ અને ફળ
ખરી પડયા. એનું થડ સૂકું થઇને કાળું ભઠ્ઠ
બની ગયું ! આ જોઇને રાજા ભોજ
આશ્ચર્યચકિત થઇ ગયો.' આ છે તારા વૃક્ષ
ઉગાડવાનું ફળ !' વૃદ્ધ માનવીએ
રાજા ભોજને કહ્યું. ચાલ, હજુ તને
તારા બીજા પુણ્ય કર્મોનું ફળ બતાવું !
તે પછી વૃદ્ધ પુરુષ રાજા ભોજને લઇને તેણે
બનાવેલા સ્વર્ણ જડતિ મંદિર પાસે લઇ
ગયા. રાજાને આ મંદિર વિશે ખૂબ
અભિમાન હતું. વૃદ્ધ માનવીએ પૂછયું- 'આ
મંદિર પણ તે જ બનાવ્યું છે ને ?' રાજાએ
અભિમાન પૂર્વક કહેવા માંડયું- 'હા, મેં જ
કરોડો રૃપિયા ખર્ચીને આ મંદિર બનાવ્યું
છે. એમાં લગભગ બધે જ સુવર્ણ જડેલું છે.
આખી ધરતી પર આવું મોંઘુ મંદિર બીજું કોઇ
નથી.'વૃદ્ધ પુરુષે તેને કહ્યું- 'તને એવું લાગતું
હશે. પણ એ સાચું નથી. તારે એનું વાસ્તવિક
સ્વરૃપ જોવું છે ? તો ચાલ, તને એ પણ
બતાવી દઉ ! વૃદ્ધ પુરુષ એ મંદિર પાસે
ગયા અને તેને પોતાના હાથથી સ્પર્શ
કર્યો. એમના સ્પર્શતાની સાથે જ
સૂર્યના પ્રકાશમાં ઝગારા મારતું એ
સુવર્ણજડિત મંદિર કાળુ પડી ગયું. એનું સોનું
લોખંડના રૃપમાં પરિવર્તિત થઇ ગયું.
થોડીવાર પછી એના આલીશાન
આરસપહાણના પથ્થરો છૂટા પડવા લાગ્યા અને
પત્તાના મહેલની જેમ કકડભૂસ કરતું
જમીનદોસ્ત થઇ ગયું ! આ દ્રશ્ય નિહાળીને
રાજા ભોજના હોશ ઊડવા લાગ્યા.
એના મુખ પર કાલિમા છવાઇ ગઇ. વૃદ્ધ
પુરુષે કહ્યું- 'જોયું ને ? આ હતું તારું સુવર્ણનું
મંદિર બનાવવાનું પુણ્ય ફળ !' એ પછી તે
વૃદ્ધ પુરુષે રાજા ભોજના અન્ય જે પુણ્ય
પ્રાપ્ત
કરવાના કાર્યો થકી થયેલી રચનાઓ
હતી તેને સ્પર્શ કર્યો હતો તો તે
બધાની પણ એ જ દશા થઇ જે બાગ અને
મંદિરની થઇ હતી.
તે પછી વૃદ્ધ પુરુષનું રૃપ લઇને આવેલા સત્યે
રાજા ભોજને કહેવા માંડયું- 'રાજન્, તને
એવો પ્રશ્ન થતો જ હશે કે પુણ્ય કાર્ય
કરવા છતાં તેનું પરિણામ આવું કેમ ?
સત્કાર્યોનું ફળ આવું તકલાદી કેમ
બની ગયું ? તો હું તને એનું કારણ સમજાવું.
સત્કર્મના રાજ્યમાં સદ્ભાવનાનું ચલણ
ચાલે છે. માનવીની બાહ્ય ક્રિયાનું નહી,
એની આંતરિક વૃત્તિ કે આંતરભાવનું મહત્વ
છે. લોકોને દેખાડવા માટે કે
યશપ્રાપ્તિ માટે જે કાર્ય કરાય તેનું
દુન્યવી વાહવાહ થવાથી મોટું કોઇ ફળ
નથી.
સાચો સદ્ભાવ રાખી, નિઃસ્વાર્થ
વૃત્તિ રાખી સર્વનું કલ્યાણ કરવા કર્તવ્ય
કર્મ કરે તે સાચું પુણ્ય કાર્ય કહેવાય.
પોતાના સ્વાર્થ માટે વ્રત-ઉપાસના,
જપ-તપ કે દયા-દાન કરે તેનું સત્ય-
ધર્મના પથ પર કશું જ મૂલ્ય નથી. મંદિરો,
ધર્મશાળાઓ ઉદ્યાનો વગેરે
બનાવી મહાન દાનવીર
હોવાના અભિમાનમાં રાચતા ભૌતિકવાદી પુણ્યકર્મી કરતાં પ્રત્યેક
જીવમાં પરમાત્માના દર્શન
કરી એની સાથે સદ્વ્યવહાર
કરી એની નિસ્વાર્થ-નિર્વ્યાજ
સેવા કરવાની સદ્ભાવના ધરાવનારા આંતરધર્મી પુણ્ય
કરનારા હજાર દરજ્જે સારા છે.
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા દેખાવનું
સારું કાર્ય કર્યું હોય તે પુણ્ય કાર્ય નથી.
બીજાનું ભલું કરવાની સદ્ભાવનાથી સહેજ
પણ અભિમાન કે સ્વાર્થ વગર સહજ રીતે
પરોપકાર કે લોકકલ્યાણનું સત્કર્મ થાય તે
સાચું પુણ્ય કાર્ય છે.'
આટલું કહીને તે વૃદ્ધ પુરુષ રૃપી સત્ય
અંતર્ધામ થઇ ગયા. રાજા ભોજનું સ્વપ્ન
પણ તૂટી ગયું. સ્વપ્નનું સત્ય તેને
સ્પર્શી ગયું. તેણે પોતાના સ્વાર્થ માટે
કરાતા ભૌતિક પુણ્યકાર્યોને બદલે
નિરભિમાની બની નિઃસ્વાર્થ
ભાવથી લોકકલ્યાણના કાર્યો કરવા માંડયા.
કોઇપણ
પ્રકારના બદલાની ભાવના રાખ્યા વિના કરાયેલા વેદમાં ઉપદેશેલા ઇષ્ટાપૂર્ત
કર્મથી અંતે રાજા ભોજ સત્ય-
ધર્મમાં સમ્યક્ રીતે સુપ્રતિષ્ઠિત થયો.