♦ પેન્સિલ અને રબર ♦

એક ઘર હતું. ઘરના એક ઓરડામાં ટેબલ ઉપર પેન્સિલ અને રબર પડ્યા હતા. પેન્સિલનું ધ્યાન રબર તરફ ગયું. તેણે મોઢું બગાડીને રબરને કહ્યું, "અહીંથી ખસી જા. આ મારું ટેબલ છે."
રબરને એની વાત ગમી નહીં. તેમ છતાં એણે ધીરજથી કહ્યું, "બહેન! આ તું શું કહે છે? આપણી વચ્ચે વર્ષોથી મિત્રતા ચાલતી આવી છે. બાળકોના દફતરમાં તું અને હું સાથે હોઈએ છીએ. તો પછી આજે તને આ શું થયું? હું તો તારો ભાઈ છું."

પેન્સિલને આ સાંભળી ગુસ્સો આવ્યો અને રબરને કહ્યું, "ભાઈ, પહેલાં તારું મોઢું જો! કલર કેવો કાળો થઈ ગયો છે! અસલ કોયલા જેવો! હમણાં જ તને હું મારી અણી મારું તો ચીસો પાડતું ભાગી જઈશ."

આમ કહીને પેન્સિલે પોતાની અણી રબરના
શરીરમાં ઘૂસાડી દીધી પણ રબરે ધીરજ ગુમાવી નહીં. 

એણે કહ્યું, "જો બહેન! હું પણ તારા ઉપર
આ રીતે હુમલો કરી શકું એમ છું પણ મારે તારા જેવું થવું નથી."

"તું મારા પર હુમલો કરીશ? પહેલાં તારું
પોચું-પોચું શરીર તો જો! જો હું મારી અણી તારા શરીરમાં ઘુસાડીશ તો તારા શરીરમાં કાણાં પડી જશે. તું તો સાવ નકામું છે. અક્ષર ભૂંસવા સિવાય તું બીજું શું
કામ કરે છે?"

"એ જ તો મારું મોટું કામ છે." રબરે વળતા કહ્યું.

"અક્ષર ભૂંસવાને તું મોટું કામ કહે છે?", પેન્સિલે કહ્યું.

આ સાંભળી રબરે તેને કહ્યું, "તું જે કંઈ ખોટું લખે છે, તે હું ભૂંસી નાખું છું. હું અત્યારે જેવું દેખાઉં છું, તેવું કાળું નહોતું.હું સફેદ રંગનું હતું, સુંદર હતું. સાચું કહું તો તારા કારણે જ હું સફેદમાંથી કાળું થઈ ગયું."

"મારા કારણે? અલ્યા જૂઠું કેમ બોલે છે? મેં
વળી તને શું કર્યું કે તું સફેદમાંથી કાળું થઈ ગયું?" , પેન્સિલે આશ્ચર્યથી રબરને પૂછ્યું.

રબરે કહ્યું, "તેં કરેલાં કામોથી મારી આ દશા થઈ છે."

પેન્સિલ હવે વધારે ગુસ્સે થઈ. "મારાં કારણે? આ તું શું બકે છે? "

રબરે કહ્યું ,"હું બકતું નથી. સાચું કહું છું. પૂછી જો આ પુસ્તકભાઈને."

ટેબલ પર મૂકેલું પુસ્તક પણ પેન્સિલ અને
રબરની વાતો ક્યારનું સાંભળી રહ્યું હતું.
પુસ્તકે કહ્યું, "બહેન, ગુસ્સે ન થઈશ. રબરની વાત સાચી છે. તું જે ખોટાં કામ કરે છે એટલે કે જે કંઈ ખોટું લખે છે, તેને આ રબર ભૂંસી નાખે છે. તારાથી થયેલી ભૂલો લોકો સુધી પહોંચવા નથી દેતું. તારી ભૂલોને ભૂંસી-ભૂંસીને એ વધારે કાળું થતું ગયું છે. જરા વિચાર કર, જો રબર ન હોત તો તારી ભૂલોને કોણ ભૂંસત? તારે તો આનો આભાર માનવો જોઈએ. કેમ કે, એ તારા કામમાં આવે છે."

પેન્સિલ હવે શું બોલે? એણે રબરની માફી માગી. હવે પોતે કદી રબરને આવું નહીં કહે એવી પુસ્તકને ખાતરી આપી.

- હુંદરાજ બલવાણી
- સાભાર "બાળ ભાસ્કર"