♦ પક્ષીની ઉદ્દાત ભાવના ♦

વિશાળ ખેતરમાં ઊગેલા પાકને જોઈને ખેડૂતની આંખો આનંદથી નાચી ઊઠી; પરંતુ એને પરેશાની એ વાતની હતી કે પક્ષીઓ આવીને એના ઊગેલા પાકના ડૂંડામાંથી અનાજના દાણા ચણી જતા હતા. વિશાળ ખેતરની ચારેબાજુ  માચડા બાંધીને એણે પક્ષીઓ ઉડાડવા માટે વ્યવસ્થા કરી હતી. રાત-દિવસ ચોકી કરવા માટે ચોકીદારો રાખ્યા, તો પણ પક્ષીઓ આવીને ઉગાડેલું અનાજ ખાઈ જતા હતા.અતિ પરેશાન ખેડૂતે એક જાળ બિછાવી.

સંજોગવસાત્ એમાં એક સુંદર પક્ષી ફસાઈ ગયું. નોકરોએ એ પક્ષીને પકડયું અને ખેડૂતની પાસે લાવીને કહ્યું ,'' માલિક, આ પક્ષી રોજ આપણા ખેતરમાં આવે છે. ભરપેટ ધાન ખાય છે અને હજી ઓછું હોય તેમ એની ડૂંડાવાળી ડાળીઓ મોંમા દબાવીને ઊડી જાય છે. આજે ઘણી મુશ્કેલીથી એ પકડાયું છે. હવે તમે કહો તેવી સજા એને કરીએ.''

ખેડૂતે કહ્યું, ''સાચી વાત છે. એને બરાબર પાઠ ભણાવવો પડશે.''

ખેડૂતની વાત સાંભળીને પક્ષી બોલી ઊઠયું કે તમે મને જે કંઈ સજા કરવા ઇચ્છતા હો; તે જરૂર કરજો, પણ તે પહેલાં તમે મારી વાત સાંભળો.

ખેડૂતે કહ્યું, ''તારી વાત શું સાંભળે? એક તો તું ખેતરમાંથી ભરપેટ દાણા ખાય છે અને વળી બીજા ડૂંડા મોંમા દબાવીને લઈ જાય છે. આ તો કેટલો મોટો બગાડ કહેવાય?''

પક્ષીએ કહ્યું, '' હું દાણા ખાઈ લીધા પછી માત્ર દાણાના છ જ ડૂંડા ચાંચમાં પકડીને મારી સાથે લઈ જાઉં છું.જાણો છો શા માટે? ''

બે ઋણ ચૂકવવા માટે, બે કર્તવ્ય બજાવવા કાજે અને બે પરમાર્થ અર્થે. ખેડૂત આશ્ચર્ય પામ્યો. પક્ષીનું ગણિત એ સમજી શક્યો નહીં એટલે એણે ગુસ્સામાં કહ્યું, ''પણ આ બધું મારા જ ખેતરમાંથી કેમ લઈ જાય છે?''

પક્ષીએ કહ્યું, ''આપના આ વિશાળ ખેતરમાંથી થોડાં ડૂંડા લઈ જાઉં, તેનાથી આપને કોઈ વિશેષ નુકસાન થવાનું નથી.

→ હવે રહી વાત છ ડૂંડાઓની. એમાંથી બે દાણાના ડૂંડા મારા વૃદ્ધ માતા-પિતાને આપું છું. એમને આંખે અંધાપો છે. જ્યાં સુધી તેઓ સ્વસ્થ હતા, ત્યાં સુધી એમણે મને ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. આજે એ અસ્વસ્થ અને વૃદ્ધ થયા છે, ત્યારે મારું કર્તવ્ય છે કે હું પણ એમને ભૂખ્યા રાખું નહીં અને એ રીતે મારું ઋણ ચૂકવું છું.

→ બે ડાળી મારા નાનાં બાળકોને આપું છું જે પિતા તરીકે મારું કર્તવ્ય છે અને બીજા બે ડૂંડા મારા બિમાર પડોશીઓને આપી આવું છું. આ મારું પરમાર્થનું કામ છે. જીવનમાં જો આટલો ય પરમાર્થ ન કરીએ, તો જીવનનો શો અર્થ?''

ખેડૂત પક્ષીની ભાવનાથી પ્રસન્ન થયો અને એને મુક્ત કરી દીધું.

🌹 સૌજન્ય 🌹

🌻 કુમારપાળ દેસાઈ  🌻