♦ આશીર્વાદ કે અપમાન? ♦

વનમાં વિહાર કરતાં મસ્ત યોગીના દર્શનાર્થે રાજા એની સેના સાથે આવી પહોંચ્યો.એણે યોગીને પ્રણામ કર્યા અને શુભાશીર્વાદ આપવા કહ્યું.

યોગીએ કહ્યું, ''રાજન્! તમે સિપાઈ બની જાવ.''

યોગીની વિચિત્ર વાત રાજાને અપમાનજનક લાગી. એની પાસે સૈનિકોની વિરાટ સેના હતી અને છતાં એને સૈનિક બનવાનું કહે તે કેવું? રાજા તે કાંઈ સૈનિક બને ખરો ?

રાજાએ વિચાર્યું કે આ યોગી અતિ વિચિત્ર લાગે છે, આથી એની પરીક્ષા માટે એણે રાજ્યના સૌથી પ્રખર વિદ્વાનને મોકલ્યા અને એમને યોગી પાસે આશીર્વાદ માગવા કહ્યું. જ્ઞાનના સાગર સમા આ વિદ્વાન યોગીરાજ પાસે ગયા, ત્યારે સંતે તેમને આશીર્વાદ આપતા કહ્યું, ''તમે અજ્ઞાની બનો.''એ જ રીતે નગરશેઠ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યા, ત્યારે યોગીએ કહ્યું, ''નગરના શેઠ છો, હવે સેવક બની જાવ.''

નગરશેઠના મનમાં ક્રોધ જાગ્યો. ધૂંવાપૂંવા થતાં પાછા આવ્યા. એ પછી રાજદરબારમાં આ સંતના આશીર્વાદ વિશે ચર્ચા ચાલી. કોઈએ કહ્યું કે આ તો સંત નથી, પણ ધૂર્ત છે. કશું જાણ્યા, જોયા કે સમજ્યા વિના આશીર્વાદ આપે છે. કેટલાકને તો શંકા ગઈ કે આ યોગીએ જરૃર માનસિક સંતુલન ગુમાવી દીધું લાગે છે.

આથી એક દિવસ રાજા પુન: એમની પાસે ગયા અને ગર્વભેર બોલ્યા,''તમે આશીર્વાદ આપો છો કે લોકોનું અપમાન કરો છો? આવું અપમાન સહન કરવા માટે હું તૈયાર નથી.''

આ સાંભળીને યોગી ખડખડાટ હસી પડયા અને બોલ્યા, ''રાજન્! આશીર્વાદ યોગ્યતા પામવા માટે અપાય છે અને મેં કહ્યું હતું કે તમે સિપાઈ બનો, કારણ કે સિપાઈ રાજ્યની રક્ષા કરે છે અને એ રીતે રાજાનું કામ રાજ્યની સુરક્ષા કરવાનું છે.

વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું, એનું તાત્પર્ય જ એ કે જ્ઞાન સાથે ઘમંડ આવે તો જ્ઞાન અવગુણ બની જાય છે. માટે મેં વિદ્વાનને અજ્ઞાની બનવાનું કહ્યું અને શેઠને સેવક બનવાના આશીર્વાદ એ માટે આપ્યા કે નગરશેઠનું કર્તવ્ય તો પોતાના ધનથી નગરજનોની સેવા કરવાનું છે.''

સંતની વાત સાંભળીને રાજાને પોતાની જાત માટે ક્ષોભ થયો.

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઈ