♠ પરોપકાર એ જ સદાચાર ♠

એક પ્રદેશમાં ત્રણ પર્વતો હતાં.આ પર્વતો પાસે એક મોટી ખાઈ હતી.જેથી લોકો આ પર્વત તરફ જઇ શકતા નહી.એક વખત દેવતાઓને ત્યાંથી નીકળવાનું થયું.તેમણે આ પર્વતોને જોયા અને તેમને કહ્યુ,' અમારે આ ક્ષેત્રનું નામકરણ કરવાનું છે.તમારા ત્રણેયમાંથી કોઇ એક પર્વતનું નામ નિશ્ચિત કરાશે અને તેના નામથી જ આ પ્રદેશ ઓળખાશે.અમે તમારા ત્રણેયની એક - એક ઇચ્છા પુરી કરી શકીએ છીએ.એક વર્ષ બાદ જે પર્વતનો વિકાસ સૌથી વધુ થશે,તેના નામ પરથી જ આ ક્ષેત્રનું નામકરણ કરવામાં આવશે.'

આ સાંભળી પહેલો પર્વત બોલ્યો : 'હું સૌથી ઊંચો પર્વત બની જાઊં.જેથી બધા લોકોને દૂરથી પણ દેખાઇ શકું.'

બીજા પર્વતે દેવતાઓ સમક્ષ પોતાની ઇચ્છા પ્રકટ કરી : ' મને હરિયાળી અને વિવિધ પ્રકારની પ્રાકૃત્તિક સંપદાઓથી ભરપૂર બનાવી દો.'

ત્રીજા પર્વતે દેવતાઓને હાથ જોડીને કહ્યું : ' મારી જે કાંઇ ઊંચાઇ અને કદ છે, તેના દ્વારા આ ખાઇને પૂરીને ત્યાં સમતળ જમીન બનાવી દો.જેથી આ ક્ષેત્ર ઉપજાઉ બની જાય અને અહીં લોકો આવે અને સુખેથી રહી શકે.'

દેવતાઓ ત્રણેયને આશીર્વાદ આપી, 'તથાસ્તુ' કહી ચાલ્યા ગયાં.એક વર્ષ બાદ દેવતાઓ ફરી આ પ્રદેશમાં આવ્યા.તેઓએ જોયું કે પહેલો પર્વત ખૂબ જ ઊંચો થઇ ગયો હતો.,ખૂબ દૂરથી જોઇ શકાતો હતો,પરંતુ ત્યાં કોઇ જઇ શકતું નહોતુ.ઊંચો હોવાના કારણે તેને બીજાઓ કરતા વધું ટાઢ,તાપ,વરસાદ  સહન કરવો પડતો હતો.

બીજો પર્વત પ્રાકૃત્તિક સંપદાઓ અને વૃક્ષોથી ભરપૂર બની ગયો હતો પરંતું એટલું ગીચ જંગલ હતું કે તેમાં કોઇ પ્રવેશી શકતું નહીં.

ત્રીજા પર્વતની જગ્યાએ સપાટ મેદાન હતું,જ્યાં ખેતી થતી હતી,લોકો વસવાટ કરતાં હતાં.દેવતાઓએ આ ત્રીજા પર્વતના નામ પરથી એ પ્રદેશનું નામકરણ કર્યું,જેણે પોતાના નજીકના ક્ષેત્રને પણ ઉપયોગી બનાવી દીધો હતો.

પોતાની યોગ્યતા તથા ધનને બીજાના ઉપયોગમાં લાવનાર વ્યક્તિ જ ઉપયોગી વ્યક્તિ છે.પરહિત માટે સંપદાનો વપરાશ જ ખરો ઉપયોગ છે.