♠ મિત્રતાની કિંમત ♠

મિત્રતા....કેવી હોય છે મિત્રતા અને શું કિંમત હોય છે મિત્રતાની???  વાંચો નિચેની બોધકથા...

બંગાળમાં જન્મેલા ચૈતન્ય મહાપ્રભુ બાળપણમાં નિમાઇ તરીકે ઓળખાતા હતાં.જો કે તેમનું નામ વિશ્વંભર હતું.યજ્ઞોપવિત સંસ્કાર વખતે ગાયત્રી મંત્રની દીક્ષા મળી.ત્યારબાદ તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર બન્યાં અને પાઠશાળામાં ભણતાં ભણતાં જ તેમણે ન્યાયશાસ્ત્રને લગતાં એક ગ્રંથની રચના કરી દીધી.

તેમની સાથે અભ્યાસ કરતો રઘુનાથ તેમનો ખાસ મિત્ર હતો.તેણે પણ એક ગ્રંથની રચના કરી હતી.

એકવાર બંને મિત્રો ગંગા નદી પસાર કરી રહ્યા હતાં ત્યારે રઘુનાથના કહેવાથી વિશ્વંભરે પોતાના ગ્રંથની કેટલીક રચનાઓ તેને સંભળાવી.આથી રઘુનાથ તો રડવા લાગ્યો.

વિશ્વંભરે વિસ્મય સાથે કારણ પૂછ્યું કે, '' ભાઇ, તું શા માટે રડે છે? ''

તેણે રડતા રડતા જવાબ આપ્યો કે, '' વિશ્વંભર આપણા બંનેના ગ્રંથનો વિષય એક જ છે.તારી રચના એટલી ઉત્તમ છે કે મારા ગ્રંથનો કોઇ ભાવ નહિ પૂછે. મારી બધી મહેનત વ્યર્થ જશે.''

એક પળનો પણ વિલંબ કર્યા વિના વિશ્વંભરે કહ્યું, ''તારા જેવા પરમ મિત્રને દુ:ખ પહોંચે એવો ગ્રંથ મારા માટે કોઇ મહત્ત્વ ધરાવતો નથી.'' આમ કહી વિશ્વંભરે પોતાનો ગ્રંથ ગંગાજીમાં પધરાવી દીધો.

મિત્ર રઘુનાથ બૂમ પાડતો રહ્યો કે, '' આ શું કરે છે? પરંતું વિશ્વંભર હસીને કહેવા લાગ્યો ''મારા માટે આ ગ્રંથ કરતાં મિત્રતા વધુ કીમતી છે.

રઘુનાથ આવા ઉમદા મિત્રના બલિદાન પ્રત્યે કૃતજ્ઞ બની ગયો.

મારા કલેક્સનની / બ્લોગની દરેક બોધકથાને યોગ્ય શીર્ષક આપનાર પરમ મિત્ર અને કવિ શ્રી વિક્રમ સોલંકી ''જનાબ'' ને અર્પણ...