♠ સાચો મનુષ્ય ♠

દક્ષિણ ભારતના એક પ્રાંતમાં  વિશાળ મંદિર હતું.તે મંદિરના મુખ્ય પૂજારીનું અવસાન થતાં મંદિરના અન્ય મહંતે બીજા પૂજારીની નિમણૂંક કરવાની ઘોષણા કરાવી.તેણે જણાવ્યું કે કાલે સવારે જે પ્રથમ પહોરમાં આવીને પૂજા વિશેના જ્ઞાનમાં સિદ્ધ સાબિત થશે તેને પૂજારી જાહેર કરાશે.

આ ઘોષણા સાંભળીને અનેક બ્રાહ્મણો સવારે મંદિરમાં આવી ગયાં.મંદિર પહાડ પર હતું અને ત્યાં પહોંચવાનો માર્ગ કાંટા અને પથ્થરોથી ભરેલો હતો.માર્ગની આ જટિલતાનું કોઇપણ રીતે નિવારણ લાવીને બ્રાહ્મણો મંદિરમાં પહોંચ્યાં.

મહંતે બધાને કેટલાંક પ્રશ્નો અને મંત્ર પૂછયાં.જ્યારે પરીક્ષા પૂરી થઇ ત્યારે એક યુવાન બ્રાહ્મણ ત્યાં આવ્યો.તે પરસેવાથી લથબથ હતો અને તેના કપડા પણ ફાટી ગયાં હતાં.મહંતે તેને કારણ પૂછ્યું તો તે બોલ્યો, '' ઘરેથી તો વહેલો જ નિકળ્યો હતો પણ રસ્તામાં કાંટા અને પથ્થરો જોયાં તો તેને કાઢવા લાગ્યો જેથી ભક્તોને તકલીફ ન પડે.તેના કારણે મોડું થઇ  ગયું.''

મહંતે તેને પૂજાવિધિ પૂછી જે તેણે જણાવી.મહંતે પછી તેને મંત્ર વિશે પૂછયું તો તેણે જણાવ્યું કે ભગવાનને નવડાવા અને ખવડાવવા માટેના મંત્રો હોય છે તેની મને જાણ નથી.મહંત બોલ્યા,પૂજારી તો તું બની ગયો,મંત્રો હું તને શિખવી દઇશ.

આ સાંભળીને અન્ય બ્રાહ્મણોએ નારાજગી દર્શાવી.ત્યારે મહંત બોલ્યાં,પોતાના સ્વાર્થની વાત તો પશું પણ જાણે છે,પણ સાચો મનુષ્ય એ છે જે બીજાના દુ:ખ માટે પોતાનાં સુખ છોડી દે.

સાર એટલો જ છે કે જ્ઞાન અને અનુભવ વૈયક્તિક છે જ્યારે માનવતા હંમેશા પરગજુ હોય છે, તેથી તે સતત સમાજ કલ્યાણમાં જ વ્યસ્ત હોય છે.

No comments:

Post a Comment