www.sahityasafar.blogspot.com
એકવાર રાજાભોજ નદી કિનારે લટાર મારતા હતા. આજુ-બાજુ લીલુછમ્મ ઘાસ, ખળખળ વહેતી નદી, વૃક્ષો, હવામાં લહેરાતા ફૂલો... રાજા આનંદિત થઈ ગયા. તેવામાં તેમની નજર એક કઠિયારા પર પડી. માથા પર લાકડાનો ભારો મૂકેલો હતો. તડકામાં વજન ઉપાડીને આવતો હતો છતાં તે ખુશ દેખાતો હતો, આનંદમાં હોય તેમ ધીમે-ધીમે કંઈક ગાતો-ગાતો જતો હતો. રાજાએ તેને પૂછયું, 'તું કોણ છે?'
કઠિયારો બોલ્યો, 'હું અહીંનો રાજા છું'
રાજાને નવાઈ લાગી. તેમણે પોતાની ઓળખાણ છૂપાવી અને તેના વિશે વધુ જાણવા વાતો કરવા લાગ્યા. તેણે કઠિયારાને પૂછયું, 'તું કેટલું કમાય છે? તું તારી આવકથી ખુશ છે?'
કઠિયારો બોલ્યો, 'હું રોજના છ પૈસા કમાઉ છું અને હું બહું ખુશ છું'
રાજાએ વિચાર્યું કે મારા ખજાનામાં અઢળક નાણું, સોના મહોર પડેલી છે છતાં મને કેટલા પ્રશ્નો છે અને આ કઠિયારો રોજના છ પૈસામાં ખુશ કેવી રીતે રહેતો હશે?
કઠિયારો તેમના મનમાં ચાલતા વિચાર સમજી ગયો હોય તેમ બોલ્યો, 'જુઓ, તમને વિશ્વાસ નથી આવતો ને? તો હું તમને સમજાવું. છ પૈસામાંથી એક પૈસો હું રોકાણકારને આપું છું. એક મારા મિનિસ્ટરને, એક મારા લેણિયાતોને, એક મારા બેંક ખાતામાં જમા કરું છું, એક મહેમાન માટે રાખું છું અને એક મારા માટે રાખું છું.'
રાજાને કઠિયારીની વાત સમજાય નહીં તેમના ચહેરા પરના ભાવ કઠિયારો સમજી ગયો અને કહ્યું, 'ચલો તમને સમજાવું, મારા માતા-પિતા મારા રોકાણકાર છે. તેમણે મને મોટો કર્યાે, ધંધો કરતા શીખડાવ્યું એટલે એક પૈસો તેમને આપું છું, એક પૈસો મારા મિનિસ્ટર એટલે કે મારી પત્નીને આપું છું, કારણ કે તે ઘર ચલાવે છે અને બધાનું ધ્યાન રાખે છે. મારા બાળકો એ મારા લેણિયાત કહેવાય. તેમના માટે એક પૈસાનો ખર્ચ કરું છું. પછી રોજ એક પૈસો ભવિષ્ય માટે બચાવું છું. કારણ કે જે ભવિષ્યનો વિચાર ન કરે તે દુઃખી થાય. પછી એક પૈસો મારા ઘરમાં આવતા મહેમાન માટે રાખુ છું જેથી કયારેક મહેમાન આવે તો સારી રીતે રાખી શકું અને એક પૈસો મારા મોજ-શોખ માટે જુદો રાખુ છું.'
રાજા તો ગરીબ કઠિયારાની વાતો સાંભળીને છક થઈ ગયા. તેમને સમજાય ગયંુ કે ખરેખરું સુખ માત્ર સંપત્તિથી નથી મળતું, આપણી પાસે જે કંઈ છે તેને સરખી રીતે વાપરવાથી સાચો આનંદ મળે છે.
આવીજ શ્રેષ્ઠ બોધકથાઓ વાંચવા માટે મારા નિચેના બ્લોગની મુલાકાત લો.