♦ સૌથી ભયંકર પ્રાણી ♦

એક વાર એથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે 'જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી ક્યું ?' તત્ત્વચિતંક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા.

આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા- દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું, ' આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણકે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શક્તું નથી.'

બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું,' સિંહ ભયંકર ખરો, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યકિત મૃત્યુ પામે.'

'તમારી વાત સહેજે બરાબર નથી' એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે 'અનેક માણસોને રહેંસી નાખનાર જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.'

બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યાર સુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછ્યું, અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ?

ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, 'જુઓ મિત્રો માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિંદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. 

હવે હું તત્ત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાની અને અર્ધઅજ્ઞાની એવા મતાગ્રહી 'વિદ્વાન નામના પ્રાણી'ને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.