♦ હિંમતબાજ એડીસન ♦

એક  હજાર જેટલી  વૈજ્ઞાનિક શોધ  કરનાર થોમસ  આલ્વા એડિસનનું (૧૮૪૭ થી ૧૯૩૧) બાળપણ  અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું.  પિતાના ચાર સંતાનોમાં સહુથી નાના એવા એડિસનને સાત  વર્ષની ઉંમરે નિશાળમાં મૂકવામાં આવ્યા. ત્રણેક  મહિના સુધી  અભ્યાસ કર્યો,  ત્યાં તો  શાળાના શિક્ષકે  થોમસ આલ્વા એડિસનને  મંદબુદ્ધિનો બાળક કહીને  નિશાળમાંથી કાઢી મૂક્યો. 

એ પછી ત્રણ વર્ષ  સુધી ઘેર રહીને માતા પાસે  શિક્ષણ લીધું. દસમા વર્ષે એને  ભૌતિકશાસ્ત્રમાં  ઊંડો  રસ  જાગ્યો.  ઘરમાં પ્રયોગશાળા બનાવીને જાત-જાતના પ્રયોગો કરવા લાગ્યા.  નબળી આર્થિક સ્થિતિને કારણે એડિસને બાર વર્ષની ઉંમરે રેલવેમાં અખબારો  અને ખાટીમીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું.

અમેરિકાના ડેટ્રોઇટ અને પોર્ટ હ્યૂરન સ્ટેશન વચ્ચે એ અખબાર વેચતો હતો. અખબારના વેચાણ સમયે વચ્ચે મળતા સમયનો સદુપયોગ કરવા માટે રેલવે અધિકારીની મંજૂરી પ્રાપ્ત કરીને રેલવેના એક ડબ્બામાં નાનીકડી પ્રયોગશાળા ઊભી કરી. સમય મળે એડિસન આ ડબ્બામાં બેસીને એકચિત્તે પ્રયોગો કરતો હતો. 

એક દિવસ ટ્રેનના ડબ્બામાં ધક્કો લાગતા એના હાથમાંથી થોડો ફોસ્ફરસ નીચે પડયો અને આગ લાગી. આથી ક્રોધે ભરાયેલા રેલવે ગાર્ડ બાળક એડિસન પાસે આવ્યા અને એટલા જોરથી તમાચો માર્યો કે એ દિવસથી એ સદાને માટે બહેરો બની ગયો. આમ છતાં બાળક એડિસન નિરાશ થયો નહીં. એણે વિચાર્યું કે આ બહેરાશ પણ આશીર્વાદરૂપ છે. બીજી બાબતો તરફ ધ્યાન જશે નહીં અને વિજ્ઞાનના પ્રયોગો કરવા માટે વધુ સમય મળશે. આમ હાનિને લાભ માનીને આ વિજ્ઞાની પોતાના સંશોધન કાર્યમાં પાછો ડૂબી ગયો.