♠ કરકસર ♠

પંડિત શ્રી મદનમોહન માલવિયાએ હિંદુ વિશ્વવિદ્યાલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઠેરઠેર ફાળો એકત્ર કરવા ફરતા. આ રીતે કોલકતાના એક ધનાઢ્ય શેઠના આંગણે પહોંચ્યા. આંગણામાં શેઠનો નાનો બાળક દિવાસળીની પેટી સાથે રમતો હતો. છોકરાએ એક સળી સળગાવી. ઠપકો આપતા શેઠ તેને બોલ્યા, 'કેમ દિવાસળી વગર કારણે બરબાદ કરી ?'

માલવિયાજીને લાગ્યું કે આપણે ખોટા ઠેકાણે આવી ગયા છીએ. આવો કંજૂસ માણસ શું દાન આપવાનો હતો !

મદનમોહનજી પાછા ફરવા લાગ્યા ત્યાં શેઠની નજર પડી એટલે શેઠ બોલ્યા, 'અરે ભાઈ ! પધારો, આંગણે આવીને કેમ પાછા ફરો છો ?' મદનમોહન પાછા ફર્યા અને કહ્યું, 'હિંદુ વિશ્વવિદ્યાલય માટે ફાળો લેવા આવેલો !!'

'મારા તરફથી પચાસ હજાર રૂપિયા સ્વીકારો.' - ચેક ફાડીને માલવિયાજીના હાથમાં મૂકતાં શેઠે કહ્યું, 'માલવિયાજી વિચારવા લાગ્યા કે આ શેઠનું કયું સ્વરૃપ સાચું ? દિવાસળીની એક સળી માટે વહાલા દીકરાને ઠપકો આપનાર કરકસરિયા કંજૂસનું કે આવડી મોટી રકમનું દાન આપનાર દાનવીરનું ?'

માલવિયાજીની મૂંઝવણ શેઠ પામી ગયા. એમણે સમજાવ્યું કે ઉદારતા સમય આવ્યે કરવાની હોય છે. સંયમ, કરકસર, મિતવ્યતિતા એ ગુણો માનવીની શોભા વધારે છે. સારા ઠેકાણે લાખો ખર્ચાય, પણ ખોટી એક કોડી પણ ન ખર્ચાય.

- મિતેશભાઇ શાહ

''  સૌજન્ય  ''

- ગુજરાત સમાચાર