♠ કર્તવ્યનિષ્ઠા એજ ધર્મ ♠


મનુષ્યની કર્તવ્યનિષ્ઠાને લગતો એક શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગ

જે કાર્યથી આપણી ગતિ ઇશ્વર ભણી થાય તે શુભ,એ આપણું કર્તવ્ય;જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ અને તે અકર્તવ્ય.જે સમાજમાં આપણે જન્મયા છીએ તે સમાજને અનુરૂપ આદર્શો અને પ્રવૃત્તિઓ ખ્યાલમાં રાખી આપણને ઉચ્ચ બનાવે,અભિજાત બનાવે એવા કાર્યો કરવાં તે આપણું કર્તવ્ય છે.

આશરે બે હજાર વર્ષ પૂર્વે રોમ પાસે એક જ્વાળામુખી ફાટતા આ વિસ્તારમાં હાહાકાર થઇ ગયો હતો.પુરાતત્વ વિભાગના ખોદકામમાં  નગરના અવશેષો ઉપરાંત આ દુર્ઘટના સાથે સંકળાયેલા કેટલાંક સંસ્મરણો મળ્યાં.રાજદ્વારના દરવાજેથી એક રાજસેવકનું સાવધાન મુદ્રામાં ઉભેલું અસ્થિર હાડપિંજર મળ્યું છે.રાજસેવકની મુદ્રાવાળો બિલ્લો તેમજ તલવાર આ હાડપિંજર સાથે જોડાયેલી મળી છે.આ દ્રશ્ય ઉપરથી આ રાજસેવકની નિષ્ઠાનો પરિચય મળે છે.કુદરતી પ્રકોપ સમયે લોકો જીવ બચાવવા દોડતા હતા ત્યારે રાજદ્વારનો આ સંત્રી પોતાની ફરજ બજાવતાં નિષ્ઠાપૂર્વક ઊભો રહ્યો અને મોતની પરવા કર્યા વગર જે બહાદૂરીપૂર્વક ફરજ બજાવી તે દાદ માંગી લે તેવી છે.તે પણ પોતાની ફરજ છોડીને ભાગી શક્યો હોત,પરંતુ તેણે કર્તવ્યને મહાન ગણ્યું.તેના પરિણામરૂપે સેંકડો વર્ષ પછી જ્યારે તેનું હાડપિંજર મળ્યું અને લોકોએ આ વાત જાણતાં દેશવાસીઓએ તેને શ્રદ્ધાંજલિ આપવા તે હાડપિંજરને સન્માનપૂર્વક સચવાયું છે.એક હાડપિંજર પણ લોકોને ફરજનિષ્ઠાનો સંદેશો અને પ્રેરણા આપી શકે છે.

દોસ્તો,કર્તવ્યની પાછળ જ્યારે કોઇ સ્વાર્થી હેતુ નથી હોતો ત્યારે જ એ મહાન બને છે.જ્યારે કોઇ કાર્ય કેવળ કર્તવ્યની ભાવનાથી થાય છે ત્યારે એ ઉપાસના બને છે અને જ્યારે તે નીતિના સ્વરૂપમાં કે પ્રેમના સ્વરૂપમાં હોય ત્યારે એથી પણ ઉચ્ચતર ભૂમિકાએ પહોંચે છે.