♠ સંત માર્ટિનની અનુકંપા ♠

ફ્રાંસ દેશની વાત છે. ઠંડીના દિવસો હતા, એક ભિખારી શહેરના એક મકાન પાસે બેઠો હતો. ઠંડી સખત હતી અને તેની પાસે પહેરવા પૂરા કપડા ન હતા તે ઠંડીમાં થરથર ધ્રુજતો હતો. ભીખ માંગવા હાથ લંબાવતો હતો પણ જતા આવતા લોકો તેની તરફ ધ્યાન આપતા ન હતા તેનો અવાજ પણ ઠંડીથી ધ્રુજતો હતો.

ત્યાં અચાનક રાજાના સૈનિકો ઘોડા પર ત્યાંથી પસાર થયા. લોકો રસ્તાની બન્ને બાજુ તેમને જોવા ઊભા રહી ગયા. બધા ઘોડેસવાર સૈનિકો ભિખારી પાસેથી પસાર થવા લાગ્યા. તેમને ભિખારીનો અવાજ સંભળાતો ન હતો પણ તેને ધ્રુજતો જોઈ શકતા હતા. બધા સૈનિકો તેના પર નજર નાખીને ચાલ્યા ગયા. છેલ્લે માર્ટિન નામના એક સૈનિકની નજર તેના પર પડી. તેને ભિખારીની દયા આવી તેની પાસે પૈસા તો ન હતા. તેણે જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજે છે એટલે તેને પોતાનો કોટ કાઢીને તલવારથી તેના બે ટૂકડા કરી નાખ્યા. પછી એક ભાગનો કોટ ભિખારીને આપ્યો અને એક ભાગનો પોતે ઓઢી લીધો પછી પોતાના સાથી પાસે પહોંચી ગયો, તેને જોઈને બધા સૈનિકો હસવા લાગ્યા.

રાત્રે માર્ટિનને સ્વપ્ન આવ્યું તેમાં તેને જિસસના દર્શન થયા. જિસસની આજુબાજુ દેવદૂત ઊભા હતા. એક દેવદૂતે માર્ટિને આપેલો અડધો કોટ પહેર્યાે હતો અને તે બીજાને બતાવીને માર્ટિનના વખાણ કરતા હતા.

આજે પણ આ સૈનિક ફ્રાંસમાં સંત માર્ટિન તરીકે પૂજાય છે.