♠ શ્રવણકલા ♠

♥ શ્રવણકલા લુપ્ત થતી જાય છે. ♥

→ આ લેખ અંત સુધી વાંચજો દોસ્તો....

♥ www.sahityasafar.blogspot.com

પ્રત્યાયન કૌશલ્યોની તાલીમ આપવા માટે
વર્ગો ચાલે છે.અસરકારક વક્તા બનવા ઇચ્છતા નાગરિકો માટે પણ તાલીમ વર્ગો ઉપલબ્ધ
છે. પરંતુ કોઇને 'શ્રવણકલા' વિકસાવવી હોય તો ક્યાં જાય? સામેના માણસની વાતો કઇ રીતે
સાંભળવી તે શીખવા માટેના વર્ગો ચાલતા હોવાનું
મારા ધ્યાનમાં નથી. શ્રવણકલા પ્રત્યાયનનો ખૂબ
મહત્ત્વનો ઘટક હોવા છતાં સદંતર ઉપેક્ષિત છે. ઘરમાં માતા-પિતા અને શાળા- કોલેજોમાં શિક્ષકો પોતાનાં સંતાનોને કે વિદ્યાર્થીઓને શ્રવણકલાનું મહત્ત્વ સમજાવતા નથી અને શ્રવણકલા વિકસાવવાનો આગ્રહ સેવતા નથી. અરે, શ્રવણ કરવું એ પણ એક કલા છે એ વાતની જાણ ખૂબ
ઓછા માણસોને છે. પ્રત્યેક માણસને બોલવાનું ગમે છે, સાંભળવાનું કોઇને ગમતું નથી અને આ મનોવૃત્તિ જ મોટા ભાગના ઝઘડાઓ અને મનદુઃખોનું મૂળ છે. પોતાનું સંભાષણ સમાપ્ત થાય પછી સામેના છેડેથી બોલવાનું શરૂ થાય.
આપણે દાવ લીધો, બેટિંગ કરી, સામે ઊભેલા શખ્સને થકવી નાંખ્યો, હવે એવી જ તક એમને પણ મળવી જોઇએ ને? મનોવિજ્ઞાાનીઓએ વિશાળ નમૂનો પસંદ કરીને સર્વેક્ષણ હાથ ધર્યું
તો મોટા ભાગના માણસો શ્રવણકલામાં દીન
અને દરિદ્ર જોવા મળ્યા. અન્યને સાંભળતી વખતે નિમ્નર્દિશત વર્તન લક્ષણો - વર્તન દોષો - જોવા મળ્યા :

- જે સાંભળવા ઇચ્છીએ છીએ, જે સાંભળવાનું ગમે છે એટલું ધ્યાનથી સાંભળવું અને બાકીની વાતો તરફ ઘોર ઉપેક્ષા દાખવવી.

- સામેનો માણસ જે બોલી રહ્યો છે તેને વળતો શો જવાબ આપવો, પોતાનો બચાવ કઇ રીતે કરવો,
વળતો ઘા શી રીતે કરવો તેની વ્યુહરચનામાં માણસનું મન ખોવાઇ જાય છે એટલે સામેના માણસની મોટા ભાગની વાતો કર્ણપટલને
સ્પર્શ્યા વગર, માથા ઉપરથી પસાર થઇ જાય છે.

-સામેના માણસને વચ્ચેથી બોલતા અટકાવીને શાબ્દિક આક્રમણ શરૂ કરી દીઇએ છીએ.

-મનગમતા અન્ય વિચારોમાં ખોવાઇ જઇએ છીએ. માનસિક ગેરહાજરીને કારણે સામેથી બોલાતો એક પણ શબ્દ રિસીવ થતો નથી.

- બોલનાર સાથે દૃષ્ટિસંપર્ક કેળવવાને બદલે આજુબાજુ નજર ફેરવતા રહીને એમનો નૈતિક
જુસ્સો હણી નાંખવો (જેથી એમનું સંભાષણ
અટકી પડે અને આપણે ફરીથી 'બેટિંગ' શરૂ
કરી શકીએ!)

- સામેના માણસને સાંભળતા હોવાનો ડોળ કરીને
હાથમાં પકડેલા મોબાઇલ ફોનના સ્ક્રીન પર નજર ખોડેલી રાખવી.

- 'તમારી વાતો સાંભળતા થાક લાગે છે, કંટાળો આવે છે' એવું દર્શાવવા બગાસા ખાવા કે આંખો મીચી દેવી, નકારાત્મક 'બોડી લેંગ્વેજ' વ્યક્ત કરવી.

શિક્ષક બનવા માટેની તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે, વર્ગખંડમાં શિક્ષકનું સંભાષણ કુલ સમયના પચાસ ટકાથી વધવું ન જોઇએ. આ જ નિયમ વ્યવહારમાં પણ
અપનાવવો જોઇએ. અડધા સમય માટે બોલવું અને અડધા સમય માટે બીજાને ધ્યાનપૂર્વક સાંભળવા માટે ફાળવવો' એ રીતભાત માનવ સંબંધોની માવજત લેવામાં પણ ઉપયોગી સિદ્ધ થાય છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા વર્ણવ્યો છે તે
અકારણ નથી. બીજાઓને ધ્યાનથી સાંભળવા માટે પણ આપણે મૌન ધારણ કરવું પડે છે. સ્વસ્થ પરિવારજીવન માણવા માટે શ્રવણકલા વિકસાવવી પડે.

આઠ વર્ષની એક છોકરી શાળામાં પોતાને સાચો જવાબ આપવા માટે શિક્ષક તરફથી શાબાશી મળી એ પ્રસંગ પોતાના પિતાજીને સંભળાવી રહી હતી. પિતાજી ઘરે આવી ગયા હતા છતાં મનથી તો ઓફિસમાં જ હતા.

વહાલી દીકરીને ધ્યાનથી સાંભળ્યા વગર માથું હલાવ્યા કરતા પપ્પાને દીકરીએ વચ્ચેથી અટકી જઇને પૂછયું, પપ્પા, તમે મારી બધી વાતો સાંભળી ને?

સ્માર્ટ પુરુષે જવાબ આપ્યો, હા, બેટા, બધું જ સાંભળ્યું, ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે! દીકરીએ સ્મિત કરીને કહ્યું, ઓ કે, પપ્પા... મેં જે કહ્યું તે જરા ફરીથી બોલીને મને સંભળાવો તો!'

પિતાજીએ કાન પકડીને પોતાની ભૂલનો એકરાર કરીને કહ્યું,

'સોરી બેટા, હું અહીં નહોતો..

હવેથી આવી ભૂલ નહીં થાય!' પતિ-પત્ની, બે મિત્રો, બે પ્રતિસ્પર્ધીઓ કે બે રાજકારણીઓ વાર્તાલાપ કરે છે ત્યારે પણ આવું જ બનતું હોય છે, બોલે છે બધા જ, પરંતુ સાંભળનારું કોઇ નથી હોતું.

♥ કોઇ દીનદુઃખિયા માણસની કેફિયત સાંભળવા ત્રીસ મિનિટ ફાળવવાથી પ્રાપ્ત થતો આત્મસંતોષ
અલૌકિક હોય છે. મારી પાસે માર્ગદર્શન મેળવવા આવતાં યુવક-યુવતીઓ પાસે દક્ષિણામાં એક વચન માંગી લાઉં છું. રોજ પંદર મિનિટ એકાદ વરિષ્ઠ નાગરિકને મળજો અને તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળજો, તેઓ પોતાની જિંદગીની રસપ્રદ વાતો રજૂ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે પ્રશંસા, આનંદ, આશ્ચર્ય અને કુતૂહલના ભાવો પ્રર્દિશત કરીને તેમને પ્રોત્સાહિત કરતા રહેજો. આજે
માણસો પાસે પુષ્કળ પૈસા છે. તમે માંગો તો હજાર, બે હજાર રૂપિયા તરત જ આપી દેશે પરંતુ તમારી વ્યથા સાંભળવા પાંચ મિનિટ ફાળવવા કોઇ તૈયાર નહીં થાય. વૃદ્ધ માતા-પિતાની વાતો સાંભળવા રોજ એકાદ બે કલાક ફાળવવા એ પુણ્યનું કામ છે.
તેઓ પોતાના સંઘર્ષની, પોતાની સિદ્ધિઓની કહેવાઇ ગયેલી વાતો કરી ફરી સંભળાવશે.. ચહેરા પર સ્હેજ પણ અણગમાના ભાવો લાવ્યા વગર એ બધી વાતો એવી રીતે રસપૂર્વક સાંભળો, જાણે પહેલી વાર સાંભળી રહ્યા છો. જેમણે શ્રવણકલા આત્મસાત્ કરી છે તેઓ કદી પણ બોલવાનો આગ્રહ નહીં દાખવે, એમને તો નમ્ર ભાવે બીજાની વાતો સાંભળવામાં જ રસ પડશે. આપે મારા દ્વારા રજૂ થયેલી વાતોને છેક સુધી ધ્યાનપૂર્વક
સાંભળી તે માટે આભાર!

- વિશ્વામિત્ર

♥ www.sahityasafar.blogspot.com