♦ સાદગી ♦

રશિયન બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા તરીકે પ્રખ્યાત વ્લાદિમીર ઇલીચ લેનિન એક પ્રખર રાજકારણીની સાથે તેની સાદગીથી પણ એટલા જ જાણીતા હતા.

તેમના વહીવટ હેઠળ, રશિયા અને ત્યારબાદ વિશાળ સોવિયત સંઘ પણ  રશિયન સામ્યવાદી પક્ષ દ્વારા નિયંત્રિત એકપક્ષીય સામ્યવાદી રાજ્ય બન્યું.

લેનિન રૂસ જેવા મોટા દેશના વડા હોવા છતાં ખૂબ સાદાઈથી રહેતા. દેશના વડા
માટેના આલિશાન મકાનના માત્ર ચાર જ રૂમમાં પોતાનો વસવાટ ગોઠવીને બાકીના
બધા જ ખંડ તેમણે જુદી જુદી ઓફીસો માટે આપી દીધા હતા.

એકવાર એક કવિ લેનિનને મળવા આવ્યા.તેમને કહેવામાં આવ્યું કે, "લેનિન
તો અગત્યની મીટીંગમા છે. મોડી રાત્રે પાછા આવશે.' કવિ નિરાશ થઈને જતા હતા.

ત્યારે કોઈકે તેમને કહ્યું , "તમારે લેનિનને મળવું જ હોય તો તમે અહીં રાહ જોઈ શકો છો."

કવિ બેઠા.રાત્રે એકાદ વાગે લેનિન થાકયા પાકયા ઘેર આવ્યા ત્યારે મુલાકાતીને
જોયા. લેનિને તેમની સામે મલકીને તેમના ખબર અંતર પૂછયા. પછી પૂછયુ. "કોફી
પીશો ને ?" 

કવિને થયું કે લેનિન થાકીને આવ્યા છે. તે કોફી પીશે તો તેમને સારું લાગશે.
એટલે તેમણે કહયું, "હા."

તરત જ લેનિન ઊભા થયા. ઠંડી દુર કરવા માટે એક ખૂણામાં મુકવામાં આવેલી
સગડીના કોલસા સંકોર્યા. કોફીના સામાન ભેગો કર્યો અને પોતે જ કોફી બનાવી.
મહેમાનને પાઈ અને પોતે પણ પીધી.

કવિરાજ તો દંગ જ થઈ ગયા. કદી કલ્પી ન હોય તેવી સાદાઈ જોઈને લેનિનને
મનોમન વંદન કરી રહ્યા.

જો સમજાય તો સાદગી એ માનવીનું મૂલ્યવાન ઘરેણું છે.સાદગીમાં જ પરમ સુખ રહેલું છે.સાદગી એ સૌંદર્યનો આદર્શ છે.