♠ અણનમ માથાં ♠

ફ્રેન્ડશીપ-ડે ના અવસરે યુવા પેઢી પ્રેરિત થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના પર આધારિત, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કૃત `સૌરાષ્ટ્રની રસધાર’ના ચોથા ભાગમાં આલેખાયેલી કથા : `અણનમ માથાં’

`આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડાચારસો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર બાર ભાઈબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાંને જાણે આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો ! બાર ખોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.’

– ઝવેરચંદ મેઘાણી

આ બારેયનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ, જેને દેવીની શકિતના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈનીય સામે માથું ન ટેકવવાનું નીમ હતું.

ધાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ — બધા પરજિયા ચારણ, જ્યારે બારમો કેશવગર બાવાજી.

એક વખત બારેય મિત્રોએ પણ ભેગા મળીને એકબીજાને કૉલ દીધાં :
`જીવવું-મરવું બારેયએ એકસંગાથે – ઘડી એકનુંય છેટું ન પડવા દેવું.’

વીર વીસળ અને તેના નરબંકા ભાઈબંધોની વાત ગુજરાતના સુલતાનને કાને પહોંચી.
તે સાંભળીને ધૂંઆપૂંઆ થઈ ગયેલા સુલતાને એમના સરદાર વીસળને બોલાવીને ધમકી આપી : `કાં સલામ દે, કાં લડાઈ લે’.

એમ ઝૂકવાને બદલે સુલતાનની વિશાળ ફોજનો મર્દાનગીભર્યો સામનો કરવાનું બારેય મિત્રોએ મુનાસિબ માન્યું.

યુધ્ધને એકતરફી થતું રોકવા તોપ- બંધૂકને બદલે તલવાર અને ભાલાનો જ ઉપયોગ કરવાનું સૂચન સુલતાનને એમણે કર્યું.

`કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં, કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં;
ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાળા, તે વર દિયાં, વીહળા, સગ થિયે ભવાળા.’

યુધ્ધ-ભૂમિમાં પ્રવેશતાં પહેલાં વીસળે તલવારથી કૂંડાળું કર્યું અને
સાંજ પડે મોતની આ સેજ પર સંગાથે સૂવા આવી પહોંચવા સહુ મિત્રોને આહવાન દીધું.

લડાઈ શરૂ થઈ.

જોગાનુજોગ એ ટાણે જ કંઈક કામસર ગામતરે ગયેલા તેજરવ સિવાયના
અગિયારેય ભડવીરો દુશ્મન-દળના ઘા સામી છાતીએ ઝીલવા સાથે
તલવારી પોતાની તાકાત દેખાડતા બહાદુરીભેર રણમેદાનમાં ઘૂમી રહ્યા.

નાલેશીભરી હાર સામે દેખાતાં સુલતાને વચનભંગ કરી દારૂગોળાનો પ્રયોગ આદર્યો.

યુધ્ધની અંતિમ ક્ષણોનું મેઘાણીએ કરેલું આબેહૂબ વર્ણન :

`પાતશાહી ફોજની ગલોલીઓ વછૂટી. ઢાલોને વીંધતાં સીસાં સોંસરવાં નીકળી ગયાં. છાતીઓ માથે ઘા પડ્યા. નવરાતરના ગરબા બની ગયેલા અગિયારેય ભાઈબંધો જુધ્ધમાંથી બહાર નીકળ્યા. કોઈ એક પગે ઠેકતો આવે છે. કોઈ વેરવિખેર આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે. કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કૂંડાળે પહોંચ્યા. પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ભાઈબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે : હાલી નીકળો !” સહુ બેઠા. લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યાં. અને સામસામા રામરામ કરી અગિયારેય વીરલા પડખોપડખ પોઢ્યા.’

ભાઈબંધો યુધ્ધ ખેલવા રણમેદાન ભણી જતા હતા ત્યારે માથે પાણીનું માટલું માંડીને નેસમાંથી માંજુ રબારણ નીકળી. શીતળ જળ તેણે સહુને પાયાં.

સાંજ પડ્યે પાછા ફરશું ત્યારે તો તરસ વધારે લાગી હશે,
એ સાંભરતાં વીસળે માંજુને આ જ ઠેકાણે બરાબર એમની વાટ જોવા કહ્યું.

એ પ્રમાણે સાંજ સુધી ત્યાં બેસી રહેલી માંજુએ આંસુભીની આંખે, માથે વહાલથી હાથ ફેરવતાં,
ટોયલી ભરી ભરીને અગિયારેય મોતના વટેમાર્ગુઓને પાણી પાયું.

ગામતરે ગયેલો બારમો મિત્ર તેજરવ સાંજ ટાણે ગામ પાછો ફર્યો.

વાત જાણી તેવો જ માથે ફાળિયું ઓઢીને, સ્ત્રી સરખો વિલાપ કરતો ચિતામાં સળગી રહેલા ભાઈબંધો ભણી દોડ્યો.

આખરી પ્રયાણમાં રખેને પોતાના દિલોજાન દોસ્તોથી વિખૂટા પડી જવાય તે ડરે દોડતાં પહોંચી જઈ, હજી ભડભડી રહેલી ચિતા પર ચડીને ‘હર હર હર’ જાપ કરતાં કરતાં એણે પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આંબરડી (સરા પાસે : ચોટીલાથી આશરે 35 કી.મી.ને અંતરે)
તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર

સૌજન્ય: પંકજભાઈ મેઘાણી

-ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધાર