♠ વેરથી શમે ના વેર ♠


બે રાજ્યોની સીમા વચ્ચે વહેતી નદીનું પાણી
કેટલીયવાર માનવીના લોહીથી રક્તવર્ણુ બની
ચૂક્યું હતું. આ નદી પર કોનું પ્રભુત્વ, એને માટે બે
રાજ્યો વચ્ચે વર્ષોથી વિગ્રહ ચાલતો હતો. એક
પેઢી બીજી પેઢીને એના વારસામાં આ દુશ્મનાવટ
આપતી હતી. બંને રાજ્યોના રાજાઓ એમ
વિચારતા કે કોઇ પણ રીતે વિરોધીને પરાસ્ત કરીને
આ નદી પર માલિકીહક્ક મેળવવો છે. નદીને માટે બંને રાજ્યો વચ્ચે ઘણા ભીષણ સંગ્રામો થયા.

એવામાં વિહાર કરતા-કરતા ભગવાન બુદ્ધ આ
પ્રદેશમાં આવ્યા. તેઓ વૃક્ષ નીચે બેસીને ઉપદેશ
આપવા જતા હતા, ત્યાં તો એમના દર્શનાર્થે એક
રાજ્યનો સેનાપતિ આવી પહોંચ્યો. સંજોગવશાત્
બીજા રાજ્યનો સેનાપતિ પણ ભગવાન બુદ્ધના
દર્શનાર્થે આવ્યો. બંનેની આંખમાં વેર હતું, પણ હવે અહીથી પાછા ફરવું મુશ્કેલ હતું.

ભગવાન બુદ્ધે કહ્યું, 'સારું થયું તમે બંને એક સાથે
આવ્યા. મારે તમને બંનેને સમાન વાત કરવી હતી. તમારા પૂર્વજો પણ વેરને કારણે અંધ હતા અને તમે પણ એવા જ અંધ છો. તમે એકબીજાનો સંહાર કરતા રહ્યા અને નદીનું પાણી તો વહેતું જ રહ્યું. આ નાનકડી વાત પણ તમને નજરે ચડી નહી !'

'એટલે ?' એક સાથે બંને સેનાપતિ બોલી ઊઠયા.
'એનો અર્થ એટલો કે તમને બંનેને નદીના જળની જરૃર છે અને નદી પાસે પુષ્કળ પાણી છે. પછી એના માલિક થવાનો અભરખો શા માટે ? અને તમે ક્યાંથી નદીના માલિક બની શકવાના છો ?
કારણ કે એનું પાણી તો અંતે સાગરમાં વહી જાય છે. તમારી દુશ્મનાવટમાં તો તમે બંને એના વિપુલ જળનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી.'

એક સેનાપતિએ કહ્યું, 'પણ આ તો અમારે માટે
રાજની આબરૃનો સવાલ છે. એમ કંઇ પ્રભુત્વ છોડી
દેવાય ?'

ભગવાન બુદ્ધે કહ્યું, 'એક તટ પર એક રાજ્યનું પ્રભુત્વ છે અને બીજા કિનારે બીજાનું. એમાં સમસ્યા શું છે ?

વળી તમે આ વહેતી નદીના વિશાળ પટમાં કઇ રીતે તમારી સીમા નિર્ધારિત કરશો ? માટે વેર-ઝેર
છોડીને અમૃતસમાં જળનો ઉપયોગ કરો અને લડવાનું બંધ કરો. પાણીને માટે લોહી વહેવડાવતા અટકો.

જ્યારે તમે નદીના સઘળા પાણીનો ઉપયોગ કરી
લો, ત્યારબાદ કોઇ ઝઘડો ઊભો થાય તો મારી
પાસે જરૃર આવજો. પણ નદીનું સઘળું પાણી વપરાઇ જાય, તે પહેલા કદી મારી પાસે આવશો નહી.'

♥ કુમારપાળ દેસાઈ ♥

No comments:

Post a Comment