♦ રાષ્ટ્રપિતાની કરકસર ♦

ઈ. સ. ૧૯૩૦, ૧૨ માર્ચ સમયે ગાંધીબાપુએ દાંડીકૂચ કરી... મીઠાનો સત્યાગ્રહ આરંભ્યો. ગરમીને કારણે તેઓ લીંબુ અને મધવાળું પાણી પીતા હતા. તેમનો કાચનો પ્યાલો એક દિવસ ફૂટી ગયો. 

તેમના અંતેવાસી શ્રી પ્યારેલાલે છ પૈસાની કિંમતવાળા બે પ્યાલા મંગાવ્યા... ગાંધી બાપુ કરકસરીયા હતા. આ જ સમયે સંતરા, લીલી દ્રાક્ષ પણ આવી ગયા. આ બધું જોઈને તેમણે જાહેર કરી દીધું કે, ''આજથી હું લીંબુ સિવાય બધા ફળોનો ત્યાગ કરું છું.'' આવા રાષ્ટ્રપિતા કંજૂસ નહીં પણ કરકસરમાં માનતા હતા.

એક વખત સ્ટીમર માર્ગે લંડન જતા ગાંધીબાપુને ઈજિપ્તની પ્રજાએ મધનું માટલું આપ્યું જેમાંથી તે દરરોજ થોડું થોડું મધ લેતા. એક દિવસ અંતેવાસી મીરાંબહેન મધ લાવવાનું ભૂલી ગયા. બજારમાંથી ચાર આનાની (૨૪ પૈસા)ની મધની શીશી મંગાવી. આ જાણી પ્રજાના પૈસાની બરબાદી શા માટે ? તેમ કહીને સેવાભાવી અંતેવાસીઓને પ્રજા કલ્યાણ માટે કરકસર કરવા કડક રીતે સમજાવ્યું.

બહારગામથી આવેલા પત્રોમાં ખોસેલી ટાંકણીઓ, પત્રોના કાગળોના કોરા ભાગમાંથી પરબીડિયાં બનાવી તેના પણ ઉપયોગ કરવા માટે આગ્રહ અને જાતમહેનતથી ટેવાયેલા હતા. તેઓ રૂમાલ, પેન્સિલ ખોવાઈ જાય ત્યારે શોધવા માટે ખૂણેખૂણો ફંફોસતા... 

પ્રજાધનના સાચા ટ્રસ્ટી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીને નમન.