♠ એકતાનો વિજય ♠

એક બિલાડી હતી. બહુ જ ચાલાક હતી. તે ઉંદરોના દર પાસે બેસી રહેતી. અને જેવો ઉંદર બહાર નીકળે એટલે કૂદકો મારીને એને પકડી લેતી. આથી ઉંદરો પોતાનાં બચ્ચાંને દરની બહાર જતાં રોકતા હતા.

એક નાની ઉંદરડી હોંશિયાર હતી. તેના પિતાને આ બિલાડીએ પકડી લીધો હતો તે તેને બરાબર યાદ હતું. નાની ઉંદરડી તેનો બદલો લેવા માગતી હતી.

નાની ઉંદરડીએ ઉંદરોની સભા બોલાવી. ઉંદરોને નાની ઉંદરડી પર વિશ્વાસ હતો એટલે બધા જ સભામાં આવ્યા. તેણે બધા ઉંદરોને સમજાવ્યું કે, આપણે એકતા રાખીશું તો આ બિલાડીને પહોંચી વળીશું. બદલો લઇ શકીશું.
તેણે શું કરવાનું છે તે બધાંને શાંતિથી સમજાવી દીધું. બધા ઉંદરોમાં તાકાત આવી ગઇ. બધા જ નાની ઉંદરડી સાથે ચાલવા લાગ્યા. બિલાડીના ઘેર સરઘસ કાઢીને પહોંચ્યા. રસ્તામાં બોલી રહ્યા હતા,

''બિલાડી રાણી મહાન છે,
અાપણા સૌની શાન છે.''  (4)

સરઘસ બિલાડીના ઘરે પહોંચ્યું. બિલાડી પોતાના વખાણ સાંભળીને રાજી થઇ. મનમાં વિચારવા લાગી કે ''બધા ઉંદર ભેગા થઇને આવ્યા છે એટલે તેમને પકડવાની મજા આવશે.''

નાની ઉંદરડીએ બૂમ પાડી, ''બિલાડી રાણી, બહાર પધારો. દુશ્મની છોડો. અમને ભેટો. અમે તમારા મિત્રો છીએ. તમારો જન્મદિન ઉજવીએ.''

બિલાડી બહાર આવી. બધા ઉંદરોએ તાળીઓ પાડી. બિલાડી તેમને મારવા માગતી હતી. પણ તે બધા જૂથમાં હતા. તેમનામાં એકતા હતી. તેણે વિચાર્યું કે, બધા અલગ અલગ થઇ જશે ત્યારે એક એક કરીને બધાને મારીશ. હવે તો તેઓ હાલ શું કરવા માગે છે તે જોઇ લઉં.

બિલાડી બોલી, ''તમે બધાએ મને રાણી બનાવી છે તેથી ખુશ છું.'' બોલો શું ઈચ્છો છો?''

નાની ઉંદરડી બોલી, ''બિલાડી રાણી, આજે તમારો જન્મદિન છે. આપના જન્મદિને આપને અમે ભેટ આપવા માગીએ છીએ.''

ઉંદરડીની વાત સાંભળી બધાંએ જોરથી તાળીઓ પાડી. ભેટ તરીકે લાવેલા ઘંટને બિલાડીના ગળે બાંધવા લાગ્યા.

બિલાડીએ વિચાર્યું, હાલ ભલે બાંધે. પછી જોઇ લઇશ. બિલાડીને ઘંટ બાંધવામાં આવ્યો. નાની ઉંદરડી ઘંટ વગાડતી હતી. બધા ઉંદર નાચતા હતા અને જન્મદિનની વધાઇ આપી રહ્યા હતા. થોડીવારમાં એક પછી એક ઉંદર ધીરે ધીરે નાસી ગયા.

હવે તો બિલાડી ઉંદરો જોઇને દોડતી પણ ઘંટના અવાજથી પળવારમાં જ  ઉંદરો ભાગી જતાં.બિલાડીની આંખોમાં કપટ હતું. ઉંદરડીની આંખમાં ખુશી હતી. ઉંદરોને તો હવે કાયમની શાંતિ થઇ. એકતાનો આ વિજય હતો.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાંચ આંગળીઓ ભેગી મળીને જે મુઠ્ઠી બને છે તેની તાકાત એક આંગળી કરતા વધુ હોય છે.લખતી વખતે કે બીજા ઘણા કામ કરતી વખતે બધી જ આંગળીઓને ભેગા મળીને કામ કરવું પડે છે.તો જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે અને જે કામ સર્વે લોકોની એકતાથી જેટલું સુંદર થાય છે તે એકથી એટલું સુંદર થતું નથી.

- જગદીશ ધનેશ્વર ભટ્ટ