♠ યુદ્ધ એ માનવજાતનું પાશવી પાગલપન છે ! ♠

🌹  કુમારપાળ દેસાઇ 🌹

- ઇંટ અને ઇમારત

- સૌજન્ય :- ગુજરાત સમાચાર

જિંદગીમેં કોઈ પ્રચંડ પ્રતિભાનો વિચાર કરીએ તો મોનાલિસા ચિત્રના સર્જક લિઓનાર્દો-દ-વિન્ચીનું સ્મરણ થાય. લિઓનાર્દો કુશળ શિલ્પી હતા, વાસ્તુકાર હતા, સંગીતકાર અને ગણિતશાસ્ત્રી હતા, વૈજ્ઞાાનિક અને ભૂસ્તરશાસ્ત્રી હતા, નકશો દોરવાની કળામાં નિપુણ એન્જિનિયર હતા. વનસ્પતિશાસ્ત્રી અને સાહિત્યકાર તરીકે પણ એમની આગવી પ્રતિભા હતી. બાલ્યાવસ્થાથી જ લિઓનાર્દો અનેક વિષયોમાં આગવું સર્જન કરતા હતા.

આ લિયોનાર્દો પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રસંગોને સૌથી વધુ યાદ કરતો હતો. એક તો એ પારણામાં સૂતો હતો, ત્યારે બહાર ઘૂમતા એક પતંગની પૂંછડીએ એના ચહેરાનો સ્પર્શ કર્યો હતો, જેને એ પોતાના જીવનની શુકનવંતી ક્ષણ માનતો હતો અને બીજો પર્વતામાળામાં ઘૂમતો હતો, ત્યારે એક ભેદી ગુફામાં ગયો હતો. બાળક લિયોનાર્દોને ભય હતો કે આ ગુફામાં મોટા રાક્ષસો સંતાઈ રહ્યા છે અને તેથી જિજ્ઞાાસાવૃત્તિથી એ ગુફા જોવા ગયો હતો, પણ એનો ભય દૂર થયો. લિઓનાર્દો ડાબોડી કલાકાર હતા. ડાબા હાથે લખતાં, જો કે આથી એમના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ પોતાનું લખાણ ગુપ્ત રાખવા માટે આ રીતે લખતા હતા.

આ લિઓનાર્દો સ્વભાવનો એટલો બધો પ્રેમાળ હતો કે સૌની સમાન ચાહના મેળવી શકતો. એના પ્રભાવશાળી અને સોહામણા દેખાવને કારણે એની ઉપસ્થિતિમાં સહુ કોઈ ઉલ્લાસ અનુભવતા હતા. ઇટાલીના શરુઆતના કલામર્મજ્ઞાોએ નોંધ્યું છે કે લિઓનાર્દો ભલે ડાબા હાથે લખતા હોય, પરંતુ એમણે પ્રારંભમાં જમણા હાથે ચિત્રો દોરવાનું શરુ કર્યું હતું. આ લિઓનાર્દોએ બોધકથાની શ્રેણી લખી છે અને શ્રેણીમાં એની ફિલસૂફી જોવા મળે છે એનો ચરિત્રકાર જ્યોર્જિયો વસારીના કહેવા પ્રમાણે બાળપણથી જ લિઓનાર્દોને એક સાથે બધું શીખી લેવું હતું. એણે અંકગણિત શીખવાનું શરૃ કર્યું અને માત્ર થોડાં જ મહિનામાં એ એના શિક્ષકને અંકગણિતના પ્રશ્નોથી નવાઈ પમાડતો હતો.

લિઓનાર્દો પ્રથમ કક્ષાનો ભૂમિતિવિદ્ હતો. તેને વિવિધ બાબતોમાં રસ હતો. પ્રકૃતિનાં તેના વૈજ્ઞાાનિક નિરીક્ષણો શરીર રચનાને સમજવા માટે મહત્વનાં છે, તો માનવ-મૃતદેહના લાશના ઝીણવટભર્યા પૃથક્કરણો અને ઉડ્ડયન સ્થાપત્યના નકશાઓ એટલા જ અગત્યના છે. જે શહેરની આસપાસ દુશ્મનોએ ઘેરો ઘાલ્યો હોય, ત્યાં પાણીની ઊર્જા મેળવવા એણે પ્રયોગો કર્યા. એના સ્થાપત્યના નકશાઓ, ભૂમિતિનો અભ્યાસ, અંગત સ્મરણપત્રો- એ બધું સમયના જર્નલમાં નોંધાયેલું છે. માનવ શરીરની જટિલ રચના સમજવા માટે લિઓનાર્દો સતત ઉત્સુક રહેતો અને એ રાતના ઘોર અંધારામાં સ્મશાનમાં જઈને લાશ ખોદીને પોતાના સ્ટુડિયોમાં લાવતો હતો અને પછી ચીરીને માનવ શરીરનાં અંગોના જુદા જુદા ચિત્રો બનાવતો અને એના પર પોતાની નોંધ લખતો હતો.

લિઓનાર્દોએ બનાવેલી ડિઝાઇનમાં આજના વિમાનની ડિઝાઇન, ટેન્કની ડિઝાઇન, ડ્રાઇવિંગ સૂટની ડિઝાઇન, મશીનગનની ડિઝાઇન અને રોબોટીક ડિઝાઇન જોવા મળે છે. આ દ્રષ્ટિએ લિઓનાર્દો ઘણી આગવી પ્રતિભા ધરાવતો વિજ્ઞાાની હતો. એણે ૧૪૮૨માં મિલાનના શાસનકર્તા લુદોવિકો સ્પોર્ઝાને આ પ્રમાણે પત્ર લખ્યો હતો :

''સૌથી નામાંકિત એવા લોર્ડ, યુદ્ધનાં સાધનોનાં શોધકો અને નિષ્ણાતોના પુરાવાઓને પૂરતા પ્રમાણમાં નિહાળીને અને તેમની શોધોને સામાન્ય પ્રૅક્ટિસમાં તેનો ઉપયોગ જુદો પડતો ન લાગવાથી કેટલાક રહસ્યોથી આપને વાકેફ કરવાના હેતુથી હું આપ નામદારની સાથે વાર્તાલાપ કરવા પ્રોત્સાહિત થયો છું. હું હલકો અને મજબૂત હોય તેવા સહેલાઈથી હેરવી ફેરવી શકાય તેવો પૂલ બાંધી શકું છું, જેના વડે આપણે દુશ્મનોનો પીછો કરી શકીએ છીએ અને હરાવી શકીએ છીએ. હું એવા પ્રકારની તોપ બનાવી શકું છું જે હલકી હોય અને તેનું સહેલાઈથી સ્થળાંતર કરી શકાય તેમજ નાનાં નાનાં પથ્થરોની ઘા સ્વરૃપે વૃષ્ટિ કરી શકાય. હું સહેજ પણ અવાજ કર્યા વગર કોઈ પણ નક્કી કરેલ જગ્યાએ ભૂગર્ભમાં માર્ગો બનાવી શકું છું. પછી તે સીધા હોય કે વળાંકવાળા, જરૃર જણાય તો નદી કે ખાઈઓની હેઠળ. હું આયુધો માટેના વેગન પણ બનાવી શકું છું, જે લશ્કરના તોપખાનાને લઈ જઈ શકે, જે દુશ્મનોની ગીચ હરોળને વીંધી શકે.
                    
''શાંતિના સમયમાં હું માનું છું કે ઇમારતોના બાંધકામમાં આપને પૂર્ણ સંતોષ આપી શકું, જાહેર અને અંગત બાંધકામમાં તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં. હું કાંસાના, આરસના કે માટીના શિલ્પો બનાવી શકું છું. પેઇન્ટિંગમાં હું કોઈ પણ વ્યક્તિ જેવી જ કળાકૃતિ બનાવી શકું છું. ઉપર જણાવેલી બાબતો કોઈને અશક્ય કે અવાસ્તવિક લાગે, તો હું મારી જાતને આપના પાર્કમાં અથવા આપ જણાવો તે જગ્યાએ તે વસ્તુ કરી બતાવવાનો નમ્રતાથી પ્રસ્તાવ મૂકું છું. આપ નામદાર, હું આપની સમક્ષ નમ્રતાપૂર્વક આપને અરજ કરું છું.     

બાલ્યાવસ્થામાં લિઓનાર્દો પોતાની જાતે જ લાયર (એક પ્રકારનું તંતુવાદ્ય વગાડતા) શીખ્યો હતો એ પછી એણે ઘોડાના મસ્તકના આકારનું લાયર બનાવ્યું. એ લાયર મુખ્યત્વે ચાંદીમાં તૈયાર થયું. એ બુલંદ રણકારવાળું અને પ્રતિધ્વનિ પાડતું વાજિંત્ર હતું. લિઓનાર્દોએ આ લાયર પર સંગીતમય રજૂઆત કરીને મિલાનના ડયૂકને પ્રસન્ન કર્યા હતા. લિઓનાર્દો ચુસ્ત શાકાહારી હતો અને એને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. એ એટલો બળવાન હતો કે એકલે હાથે હિંસાનો સામનો કરી શકતો. ડાબા હાથથી લોખંડના દરવાજાના આંગળીયાને વાળી શકતો હતો. એ ઘણીવાર અરિસા સામે લખતો જોવા મળતો અને આ રીતે ઉંઘા અક્ષરોમાં પોતાની ખાનગી વાત લખવાનું કૌશલ એણે પ્રાપ્ત કર્યું હતું એના પ્રારંભના જીવનચરિત્રમાં સમકાલીન નોંધરૃપે એનો પ્રાણીઓ પ્રત્યે ઉભરાતા પ્રેમનો સંકેત સાંપડે છે. એણે કહ્યું કે,

'માંસાહાર કરવો તે સ્વાસ્થ્યને માટે સહેજે એ જરૃરી નથી. એ ઉપરાંત એ સમયે ઇટાલીમાં એણે એ પ્રશ્ન ઉઠાવ્યો કે પ્રાણીઓનું માંસ ખાવામાં કેટલી નીતિમત્તા રહેલી છે ? એ એમ માનતો કે કોઈને બિનજરૃરી પીડા પહોંચાડવી, તે એક જીવને હણવા સમાન છે એના જીવનચરિત્ર લેખક વસારીએ નોંધ્યું છે કે, લિઓનાર્દો ફ્રાંસમાં રસ્તા પરથી પસાર થતો, ત્યારે વેચવા માટે રખાયેલા પાંજરામાં પુરાયેલા પક્ષીઓને જોતો. તે વેચનાર પાસે જઈને પક્ષીઓની કિંમત ચૂકવી દેતો ને પોતાના હાથે જ એ પક્ષીઓને હવામાં ઉડાડી દઈને મુક્તિ બક્ષતો હતો. એ સમયે એક પત્રમાં એડ્રેકોસારીએ ભારતમાં વસતી ગુજરાતી કોમનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં નોંધ્યું હતું કે, આપણા લિઓનાર્દોની જેમ ગુજરાતમાં પણ લોકો જેમાં રક્ત સમાવિષ્ટ હોય અથવા તો જેને માટે કોઈ જીવની હાનિ થઈ હોય એવો આહાર લેતા નથી. લિઓનાર્દોએ પોતાની નોટબુકમાં એક જલદ શબ્દોમાં નોંધ કરી છે. જો કે એની આ નોંધ ૧૯મી સદી સુધી લોકોને ક્ષુલભ કરવામાં આવી નહોતી. એણે લખ્યું છે કે -'

'માણસ પોતાની જાતને પ્રાણીઓના રાજા તરીકે વર્ણવે છે, પણ હકીકતમાં એણે પોતાની જાતને જંગલી અને હિંસક પ્રાણીઓના રાજા તરીકે ઓળખાણ આપવી જોઈએ. બધા પ્રાણીઓમાં સૌથી શ્રેષ્ઠ છે માટે માણસ મહાન છે અને પ્રાણીઓ તેમને માત્ર મદદ જ કરતા નથી પરંતુ તમારી શ્વેદેન્દ્રિય સંતોષવા માટે તેમના બચ્ચાંઓ મોકલી આપે છે. શું માણસે પોતાની જાતને પ્રાણીઓ માટેની કબર બનાવવાનો પ્રયત્ન કર્યો નથી ? જો મને સંપૂર્ણ સત્ય કહેવાની મંજૂરી મળે તો હું નિખાલસતાથી આ વાત કરીશ.'

આવી જ રીતે લિઓનાર્દોએ યુદ્ધ વિશે પણ વાત કરી છે. લિઓનાર્દોએ હથિયારોની ડિઝાઇન શોધી આપી તેની પાછળ તેનો હેતુ શો હતો ? શું એ યુદ્ધનો બચાવ કરતો હતો ? તો એનો જવાબ એ છે કે એના હથિયારોની ડિઝાઇન ક્યારેય આક્રમક નહોતી બનતી, પરંતુ સંરક્ષક હતી. કિલ્લેબંધી દ્વારા લશ્કરી મથકને સુદ્રઢ અને મજબૂત બનાવવા એ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા ચાહતો હતો. એના જ શબ્દો જોઈએ તો,
'મહત્ત્વકાંક્ષી આતતાયી જ્યારે ઘેરો ઘાલે ત્યારે પ્રકૃતિએ આપેલી મુખ્ય બક્ષિસનું રક્ષણ કરવાના હેતુથી હું હુમલા અને બચાવ માટેનાં સાધનો શોધવાં પ્રયત્ન કરું છું. સૌ પ્રથમ તો દીવાલોની સ્થિતિ કેવી છે તે વિશે કહું છું અને તે પછી કેવી રીતે જુદા જુદા લોકો પોતાની ભલાઈ જાળવી શકે તેનો વિચાર કરું છું.'

યુદ્ધને તો એ પાશવી પાગલપન માને છે અને કહે છે કે જે માનવી પોતાની મહેનતથી કુદરતના અપૂર્વ સર્જનને નિહાળે છે, તે જ માનવી તેનો વિનાશ કરવા માટે ઘાતકી કાર્યોને ન્યાયી ઠેરવે છે, તે કેવું ? એ દર્શાવે છે કે માનવીની જિંદગી લઈ લેવી તે એક અધમમાં અધમ ઘાતકી કાર્ય છે. લિઓનાર્દોના વિચારો આજે પણ એટલા જ પ્રભાવક છે એ વિશે પુસ્તકોના પુસ્તકો લખી શકાય.
બાળપણમાં જ લિયોનાર્દોના પિતાને એના પુત્રમાં રહેલા અસાધારણ કૌશલ્યનો ખ્યાલ આવ્યો હતો. બાળક લિયોનાર્ડોએ દોરેલા ચિત્રો તેના મિત્ર એવા એન્ડ્રે ડેલ વિરોસિઓને બતાવવા માટે લઈ ગયા હતા. એમણે લિયોનાર્દોને પોતાના સાથી તરીકે રાખ્યા.

આ સમયે લિયોનાર્ડો ભૂમિતિશાસ્ત્રમાં પ્રથમ કક્ષાનો નિષ્ણાત સાબિત થયો. લિયોનાર્ડોએ આ સમયે સ્મિત કરતી મહિલાઓ અને નિર્દોષ બાળકોના મસ્તકનાં માટીના શિલ્પો બનાવ્યા હતા. કેટલાક વર્ષ પછી એ શિલ્પોનું વેચાણ પણ થયું.
ઇ.સ. ૧૫૧૯માં ૬૭ વર્ષની વયે લિયોનાર્દોનું અવસાન થયું. આ સમયે આશ્ચર્યની હકીકત એ છે કે પોતાની પાછળ પોતાની જર્નલમાં ૬૦૦૦ પાનાનું લખાણ મૂકી ગયો હતો અને છ હજાર પાનાઓમાં વ્યક્તિગત ચિંતન ધરાવતા લેખો હતા, હળવી રમૂજો હતી, કરિયાણાની યાદીઓ હતી અને સવિશેષ તો આમાંથી લિયોનાર્દોના જીવનની ઝાંખી થાય છે. આ જર્નલમાં એણે પોતાના પ્રેરણાસ્તોત્ર વિષે લખ્યું છે. પોતાની કાયમી ઝંખનાઓ કઈ કઈ છે એની વાત કરી છે અને પોતાના હૃદયને સ્પર્શી ગયેલી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

લિયોનાર્દોને સેઇન્ફલોરેન્ટિન પેલેસ ચર્ચ પાસે દફનાવાયો હતો, પણ ફ્રેન્ચ ક્રાંતિએ તે સ્થળનું નામોનિશાન કાઢી નાખ્યું હતું અને તેના અવશેષો પણ અઢારમી સદીની શરૃઆતમાં નાશ પામ્યા હતા, તેથી તેની કબરનું ચોક્કસ સ્થાન ઓળખવું અશક્ય હતું. લિઓનાર્દોને અપૂર્વ ઈશ્વરીય વરદાન પ્રાપ્ત થયેલું હતું. તે એવી બાબતોને જોઇ શક્તો અને અનુભવી શક્તો હતો જેના વિશે ધીમી ગતિની ફોટોગ્રાફીના પ્રચાર પહેલા કોઈ જાણી શક્તું ન હતું.
તેણે પડછાયાના રંગો વિશે જે વાત લખી હતી તે અંગે ૧૯મી સદી સુધી કોઈએ તેમાં પ્રગતિ કરી ન હતી. તેમના ધાર્મિક અને નૈતિક બાબતો વિશેના વિચારો વિશે ઘણું કહેવાય છે, પણ અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિની તુલના સામાન્ય માનવીની પ્રતિભા સાથે ન થઈ શકે. વિવિધ કૌશલ્યમાં નિપૂણ એવો આ માનવી ફક્ત પેઇન્ટર જ ન હતો, પણ ફળપ્રદ શોધક પણ હતો કે જેની કલ્પનાઓ સમયથી એટલી બધી આગળ હતી કે જે હજી આપણા યુગમાં પણ સાકાર થઈ શકી હતી.