♠ આભડછેટનું ભૂત ♠

મહાત્મા ગાંધીબાપુના સમયની વાત છે. ગાંધીબાપુએ અશ્પૃશ્યતા નિવારણ માટેની ઝુંબેશ ઉપાડી હતી અને એની ઝુંબેશને એમના ચુસ્ત અનુયાયીઓનો ટેકો હતો.

આવાજ એક કેળવણી નિરીક્ષક સ્કૂલના ઈન્સ્પેકશન માટે કોઈ ગામડામાં ગયા. કેળવણી નીરિક્ષક ઈન્સ્પેકશન માટે ગામમાં પહોંચે તે પહેલાં તો તે પ્રખર અશ્પૃશ્યતા નિવારણ ઝુંબેશના હિમાયતી છે, કડક સ્વભાવના છે, શિસ્તના આગ્રહી છે તેવી તેમની ખ્યાતિ પહોંચી ગયેલી.

એટલે ગામની શાળાના હેડમાસ્તરે દરેક વર્ગ શિક્ષકને કહી રાખેલું કે, ''જુઓ ! કેળવણી નીરિક્ષક ઈન્સપેક્ટર ઇન્સ્પેકશન માટે આવે છે એટલે તમે સ્વચ્છતાની સાથોસાથ આભડછેટના ભૂતથી આઘા ભાગજો, નિરીક્ષકને એમ ના લાગવું જોઈએ કે આપણે આભડછેટમાં માનીએ છે. વિદ્યાર્થીઓને પણ એ જ રીતે બેસાડજો.''

આથી દરેક શિક્ષિકે પોતપોતાના કલાસમાં દરેક જાતિના વિદ્યાર્થીઓને પણ સાથે જ બેસાર્યા - સર્વણો-દલિતો-મુસ્લિમોને એક સાથે બેસાર્યા- એક બ્રાહ્મણ વિદ્યાર્થી હોય તો તેની બાજુમાં હરિજન દલિત હોય - બાજુમાં મુસ્લિમ હોય- તો તેની બાજુમાં દેવીપૂજક હોય- દેવીપૂજકની બાજુમાં ક્ષત્રિય હોય. વળી પાણી પીવાનું પાત્ર અને પવાલું પણ એક જ રાખ્યું હતું.

નીરિક્ષક આવ્યા - દરેક કલાસરૃમમાં જઈ નિરીક્ષણ કર્યું - પણ દરેક કલાસમાં એક જ જાતની બેઠક વ્યવસ્થા જોઈ વ્હેમાણાં, એટલે એમણે શિક્ષકોએ આ વ્યવસ્થા આજના ઈન્સ્પેકશનના દિવસ પૂરતી રાખી છે કે કાયમની છે એ જાણવા તેમણે યુક્તિ કરી. દરેક શિક્ષકના ચહેરા પર રાહતના ભાવ હતા, અચાનક કેળવણી નીરિક્ષક એક કલાસમાં પાછા આવ્યા અને કહ્યું : 'બાળકો, ઈન્સેપકશન પતી ગયું,

હવે તમે બધા ગઈકાલે બેઠા હતા તેમ બેસી જાવ ! આટલું સાંભળતાં જ દલિત વિદ્યાર્થીઓ ઉભા થઈ એક ખૂણામાં અલગ બેસી ગયા - એમને એ રીતે બેસી જતા જોઈ સવર્ણ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર રાહતના ભાવ આવી ગયા.'

કેળવણી નિરીક્ષક આચાર્ય અને શિક્ષકના ખભે હાથ મુકી બોલ્યા: ''અશ્પૃશ્યતા ફક્ત વાણી વર્તનમાંથી જ નહિ - પણ દિલમાંથી પણ કાઢવાની કોશિશ કરો - તમે તો આ ભાવિ સમાજના ઘડવૈયા છો. તમારું જે કાંઈ આંદોલન કે કાર્ય હોય એ કુરિવાજને જડમૂળથી ઉખાડવાનું હોવું જોઈએ અને એટલે જ મહાત્મા ગાંધીબાપુએ પણ તેમના સાબરમતી આશ્રમને હરિજન આશ્રમ નામ આપ્યું છે.

હું આવ્યો માટે જ તમે આ વ્યવસ્થા કરી એ મને ન ગમ્યું. આ કુરિવાજને વિદ્યાર્થીઓના દિમાગમાંથી જડમૂળથી કાઢવાનો પ્રયત્ન કરો !''

એ કેળવણી નીરિક્ષક હતા બદરૃદ્દીન તૈયબજી.