♠ લોભી બ્રાહ્મણ ♠

કાશીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે સમાજમાં દરેક વ્યક્તિ સાથે લેતી-દેતીમાં ગોટાળા કરી ખૂબજ સંપત્તિ ભેગી કરી હતી. વ્યાપાર અને વ્યવહારના ગોટાળાથી પસ્તાવો થતા તે ગંગાસ્નાન કરવા ઉપડયો, પણ તે બહુ જ લોભી સ્વભાવનો હતો. ગંગાસ્નાન કરવા ગંગામાં ઝંપલાવ્યું પણ હવે ન્હાતા ન્હાતા તેણે ઉભેલા બ્રાહ્મણોને દક્ષિણા માંગતા જોયા તે વિચારવા લાગ્યો કે હું નદીની બહાર નીકળીશ એટલે આ બ્રાહ્મણો દક્ષિણા માંગ્યા વગર છોડશે નહી તે લોભી સ્વભાવનો હોવાથી બહાર નીકળવાને બદલે ડૂબકી મારીને ન્હાવા લાગ્યો. કિનારે ઉભેલા બધા જ બ્રાહ્મણો થાકીને ચાલ્યા ગયા. ભગવાન શિવને વિચાર આવ્યો કે આ લોભી પાસેથી કંઈક ધન તો કઢાવવું જ છે તે છૂપાઈને ઉભા રહ્યાં કિનારે કોઈ દેખાતા નથી એમ વિચારીને બ્રાહ્મણ બહાર નીકળ્યો ત્યાં તો શિવજી નાના બાળકના રૃપમાં હાથ લંબાવીને 'દક્ષિણા આપો' કહીને ઉભા રહ્યાં, બ્રાહ્મણ હેબતાઈ ગયો, મરી ગયા.. આ ક્યાંથી આવ્યો? પછી થયું કે લાવ આઠ આના આપી દઉ પણ જીવ ન ચાલ્યો. પછી તે બાળકને કહે લે મારૃં સરનામું આપું છું, તું મારા ઘરે આવીને આઠ આના દક્ષિણા લઈ જજે. ઘરે આવીને પત્નીને કહ્યું કે તે બ્રાહ્મણ આઠ આના લેવા આવે તો કહેજે કે મારા પતિ તો આજે જ મરી ગયા, તેમ કહીને રડવા લાગજે. તેથી તે જતો રહેશે.

તે જ દિવસે શિવજી બાળકના રૃપમાં બ્રાહ્મણના ઘરે આવ્યા. બ્રાહ્મણ પત્નીએ પોતાના પાડોશી દ્વારા બ્રાહ્મણને સ્મશાન પહોંચાડવા ખોટી નનમાી ગોઠવી, તેના પર બ્રાહ્મણને સુવડાવ્યો અને સ્મશાન યાત્રા કાઢી. રસ્તામાં ખૂબ વરસાદ આવ્યો, બધા જ ભાગ્યા. બ્રાહ્મણ પણ ઉભો થઈ ગયો ત્યાં શિવજી પાછા આવી ગયા 'આઠ આના દક્ષિણા આપો'.  બ્રાહ્મણ તો ડઘાઈ ગયો. આ સ્મશાનના દેવ શિવજી છે તેમ તેને સમજાય ગયું, તે તેમના પગે પડી ગયો અને કહ્યું... 'ભોળાનાથ, હું તમને ઓળખી ના શક્યો, મારી લોભવૃત્તિ છોડાવવા તમે આવું કરો છો તે મને ન સમજાયું, મારા બધા સ્વજનો કે જેમના માટે મેં આટલા ગોટાળા-સાચા ખોટા કામ કર્યા તે મને મુકીને ચાલ્યા ગયા. હવે મને સમજાય છે કે સ્વાર્થ વિના કોઈ પ્રિત કરતું નથી, કોઈ કોઈનું નથી.'

તરત શિવજીએ તેને ઉભો કર્યાે અને હાથ લંબાવીને કહ્યું, 'મારી આઠ આની લાવ' બ્રાહ્મણ હસવા લાગ્યો, 'અરે.. આઠ આની નહી.. હું પોતે જ તમારી સાથે આવીશ. મને પરમધામ લઈ જાવ. હું થાકી ગયો છું'

શિવજીએ તેને બાથમાં લઈ સમજાવ્યું કે, 'હે વત્સ, સંપત્તિ માટે આટલી આસક્તિ-મોહ માયા છે. એટલે તે ખૂબ મહેનતે ભેગી કરી.' પણ કોના માટે? સાથે શું લઈ જવાના છીએ? બધું જ મુકીને પરમધામ જવાનું છે તો પછી આટલો લોભ શા માટે?

આમ કહી દાન પુણ્ય કરવા સમજાવ્યો, શ્રાવણના સરવડીયા કહ્યાં, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે તે સમજાવ્યું.

પછી તે બ્રાહ્મણ લોભ છોડીને ખૂબ દાન કરવા લાગ્યો. મહાદાની બની ગયો.