એક રાજા હતો. તેના રાજ્યમાં ખૂબ જ સુખ
શાંતિ હતી. રાજાને એક મંત્રી હતો. તેને
ભગવાન પર ખૂબ જ વિશ્વાસ હતો.
ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે
તેમ તે હંમેશાં માનતો. પ્રજા સુખી હોય
તો પણ તે કહે કે ભગવાન કરે તે સારા માટે.
દેશમાં દુષ્કાળ પડે તો પણ કહે કે ભગવાન કરે
તે સારા માટે.
કોઈના ઘરે મૃત્યુનો પ્રસંગ હોય તો પણ કહે
કે ભગવાન કરે તે સારા માટે અને પોતાનું
આપ્તજન ગુજરી ગયું હોય કે તેને પોતાને
ઘરમાં કાંઈ નુકસાન થયું હોય તો પણ કહેશે
ભગવાન કરે તે સારા માટે. એક વખત
રાજા અને તેનો મંત્રી બન્ને
જંગલમાં શિકાર કરવા માટે ગયા. ત્યારે
ત્યાં સિંહ ઉપર પ્રહાર કરતી વખતે
રાજાની આંગળી કપાઈ ગઈ. આ જોઈને
મંત્રીએ રાજાને કહ્યું કે ભગવાન કરે તે
સારા માટે.
આથી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને
તેણે પોતાના મંત્રીને કહ્યું, 'અરે દુષ્ટ!
મારી આંગળી કપાઈ ગઈ અને તું કહે છે કે
ભગવાન કરે તે સારા માટે? તું મારી નજર
સામેથી ચાલ્યો જા. હું તારું મોઢું
જોવા માંગતો નથી. મારે તારી જરૃર
નથી.'
રાજાનો મંત્રી ભગવાન કરે તે સારા માટે
આમ કહીને જંગલમાંથી પોતાને ઘેર ગયો.
રાજા એકલો જંગલમાં ચાલ્યો જાય છે.
ત્યાં જંગલના જંગલી લોકોએ તેને
પકડયો અને રાજાને કહ્યું, 'અમારા મુકામે
દેવીનો હવન ચાલે છે અને તેમાં અમારે નર
બલિ ચઢાવવાનો છે તેથી તું
અમારી સાથે ચાલ અને
તારો બલિ ચઢાવીને અમે દેવીને પ્રસન્ન
કરશું.'
આમ કહી તેઓ તેને તેમના દેવી પાસે
બલિ ચઢાવવા માટે લઈ ગયા.
જંગલી લોકોએ રાજાનો દેવીને
બલિ ચઢાવતા પહેલાં જોયું તો તેમને
રાજાના એક
હાથની આંગળી કપાયેલી દેખાઈ.
કપાયેલા અથવા ખંડિત
અંગવાળા મનુષ્યનો બલિ દેવી ન
સ્વીકારે એમ સમજી રાજાને
છોડી દીધો.
રાજા રાજી થતો થતો પોતાના ઘરે
મહેલમાં આવ્યો. રાજાને
પોતાના મંત્રીની વાત યાદ આવી. તેણે
મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે,
'મારી આંગળી કપાઈ ગઈ હતી તેથી હું
મરતા મરતા બચી ગયો. તમે કહ્યું હતું કે
ભગવાન કરે તે સારા માટે તે સત્ય સાબિત
થયું. પરંતુ મેં તને કાઢી મૂક્યો છતાં તે કહ્યું કે
ભગવાન કરે તે સારા માટે એનું શું?'
મંત્રી કહે, 'હે રાજાજી!
જંગલમાં જંગલી લોકો દેવીને
બલિ ચઢાવવા માટે તમારી સાથે મને પણ
સાથે લઈ ગયા હોત. તમે
તો આંગળી કપાયેલી હોવાથી બચી જાત
અને બલિનો બકરો હું બની જાત.
મારો બલિ ચઢી જાત. પરંતુ તમે મને
જંગલમાંથી કાઢી મૂક્યો અને મેં કહ્યું કે,
ભગવાન કરે તે સારા માટે અને તેના ફળ
સ્વરૃપે જ હું બચી ગયો.'
જીવનની કોઈ પણ
પરિસ્થિતિમાં નિરાશ, હતાશ કે
નાસીપાસ ન થવું અને એટલું હંમેશા યાદ
રાખવું કે, 'ભગવાન કરે તે સારા માટે.'
♠ ભગવાન કરે તે સારા માટે ♠
♠ બાળ નેપોલિયનની મહાનતા ♠
નેપોલિયનના બાળપણનો એક કિસ્સો છે.
એક દિવસ પોતાની નાની બહેન સાથે
રમતાં રમતાં એ બહુ દૂર નીકળી ગયો.
રસ્તામાં એક ખેડૂતની છોકરી માથે
ફળનો ટોપલો લઇને જતી હતી.
નેપોલિયનની બહેનનો તેને
ધક્કો લાગ્યો અને ટોપલો નીચે
પડી ગયો. ફળ બધાં બગડી ગયાં,
ફૂટી ગયા, નકામાં થઇ ગયા.
ખેડૂતની છોકરી રડવા લાગી, 'હાય,
મારી મા મને મારશે. હવે અમે ખાઇશું શું ?'
નેપોલિયનની બહેન તો કહેવા લાગી કે
'ચાલ, આપણે બે ભાગી જઇએ !' પણ
નેપોલિયન બોલ્યો, 'ના એવું ન કરાય. એ
તો બહુ ખોટું. આપણાથી આનું નુકસાન થયું
છે તો એ નુકસાન આપણે ભરપાઇ કરી આપવું
જોઇએ.'
બહેન કહે, 'મા આ જાણશે તો આપણને વઢશે.'
પરંતુ નેપોલિયને
તો પોતાના ખિસ્સામાં થોડા પૈસા હતા તે
ખેડૂતની છોકરીને આપી દીધા અને તેને
આશ્વાસન આપ્યા પછી કહ્યું કે, 'ચાલ
અમારી સાથે. ઘરે જઇને તારું બધું નુકસાન
અમે ભરપાઇ કરી આપીશું.'
નેપોલિયન તેને લઇને ઘેર આવ્યો.
મા પહેલાં તો આ બધું જાણીને બહુ ગુસ્સે
થઇ અને છોકરાંવને વઢી. પણ નેપોલિયને
કહ્યું કે 'મા, ભૂલ અમારી છે. મને તું જે
ખિસ્સાખર્ચ આપે છે, તે આ છોકરીને
આપી દે.'
મા બોલી, 'ઠીક છે. હવે તને દોઢ
મહિના સુધી એક પાઇ નહીં મળે !'
'ભલે મા !'
પેલી ખેડૂતની છોકરી પૈસા મળતાં ઘણી ખુશખુશ
થઇ પોતાને ઘેર ગઇ. તે જોઇને નેપોલિયનને
બહુ આનંદ થયો. પોતે કંઇક ખોટું કામ કર્યું
હોય,
તો તેનાં પરિણામો ભોગવવા જોઇએ અને
ભાગી જવું જોઇએ નહીં, એ વાત
નેપોલિયનના હૃદયમાં બરાબર બેસી ગઇ
હતી.
♠ ફ્લર્ટ - Flirt ♠
→ અંગ્રેજીમાં જ એક શબ્દ છે ફ્લેટર્ડ, જેનો અર્થ
થાય છે કોઈને ખુશ કરવા કે કોઈની વાતથી ખુશ થવું.
www.sahityasafar.blogspot.com
♠ આ ફ્લેટર્ડ શબ્દ પરથી જ ફ્લર્ટ શબ્દ
આવ્યો છે, જેનો અર્થ કરવામાં આવે છે ખોટી રીતે વહાલા થવાની કોશિશ કરવી. આ અર્થ
આપણી ડિક્શનરીનો છે, પણ ઓક્સફર્ડ
યુનિર્વિસટીનું કહેવું છે કે ફ્લર્ટનો ભાવાર્થ
એવો થાય છે કે તમને ખબર પણ હોય કે તમે
ખોટેખોટી રીતે કોઈને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યા છો અને એ સામેની વ્યક્તિને ખબર પણ છે અને એ પછી પણ તમે એ પ્રયાસને છોડતા નથી.
તમારા આ પ્રયાસમાં સામેની વ્યક્તિ માટે તારીફ
હોય છે, વખાણ હોય છે, એપ્રિસિયેશન્સ
હોય છે અને એનો અતિરેક પણ હોય છે, પણ
તમારો હેતુ માત્ર એ હોય છે કે
સામેની વ્યક્તિ, તમને ગમતી વ્યક્તિ ખુશ
થાય. જોકે, આ બધી વાત એકમાત્ર 'ફ્લર્ટ'
શબ્દ સાથે જોડાઈ જાય તો સામાન્ય
રીતે લાકોની આંખમાં ગંદકી અંજાઈ જાય
છે.
www.sahityasafar.blogspot.com
♦ ટીમ વિન્ટોન નામના ઓસ્ટ્રેલિયાના એક રાઇટરે તો એ લેવલ પર કહ્યું છે કે સ્વસ્થ મનથી અને સાચી રીતે ફ્લર્ટનો ભાવાર્થ સમજીને
ફ્લર્ટ કરવામાં આવે તો એ મા સાથે પણ
થઈ શકે, કારણ કે એ કરવાનો હેતુ માત્ર
ખુશી આપવાનો છે. ભગવાન સાથે પણ
ફ્લર્ટ થઈ શકે અને ગર્લફ્રેન્ડ સાથે પણ ફ્લર્ટ
થઈ શકે. અફસોસ એ વાતનો છે કે
આટલા સરસ શબ્દને આપણે ખુશ કરવાને બદલે
પટાવવાની માનસિકતા સાથે
જોડી દીધો છે.
♠ પિતાનો પુત્રને પત્ર ♠
=========================
"એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :
=========================
પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..
૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાની શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .
૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.
૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે
૪) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નો માની લેવા.
૫) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે .
૬) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેદ્ફીસ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.
૭) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું.
૮) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીયા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.
૯) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.
૧૦) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળ શે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.
૧૧) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.
૧૨) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપડે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપડે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
મિત્રો જો આ વાક્યો તમને પસંદ પડ્યા હોય તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો...
♠ માંની મમતા ♠
એક બાળકની માતા મૃત્યુ પામી. જે
સમયે બાળકને
પોતાની માતાના સ્નેહની સૌથી વધુ
જરુર હતી ત્યારે જ માતાએ આ
જગતમાંથી વિદાય લીધી.
બાળકની ઉંમર
ઘણી નાની હતી આથી બાળકનું ધ્યાન
રહે તે માટે
પરિવારના આગ્રહથી બાળકના પિતાએ
બીજા લગ્ન કર્યા.
ઘરમાં નવી મા આવી.
શરુઆતમાં તો નવી મા બાળકનું ધ્યાન
રાખતી પણ થોડા જ સમયમાં એણે
બાળકને ત્રાસ આપવાનો શરુ કર્યો.
ક્યારેય ક્યારેક બાળકને મારે પણ ખરી.
એને એમ હતુ એ એના આ ત્રાસની બાળક
મુરઝાઇ જાશે પણ ઉલટાનો બાળક
તો દિવસે અને દિવસે
તાજો માજો થતો જતો હતો.
સાવકી મા વિચારમાં પડી. હું
આટલો બધો ત્રાસ આપુ છુ. પુરતુ
ખાવા પણ નથી દેતી તો પછી આ
છોકરો આવો તાજો માજો કેમ રહે છે ?
છોકરાનો બાપ રોજ સવારે કામ પર
જતા પહેલા છોકરાને એક રુમમાં લઇ
જતો. રૂમ બંધ કરીને 4-5 મીનીટ બાપ-
દિકરો એકાંતમાં ગાળતા અને
પછી બહાર નીકળતા.
પેલી સ્ત્રીને વિચાર આવ્યો કે હું
પરણીને આવ્યા પછી મને આ
રૂમમાં ક્યારેય આવવા દીધી નથી. મને
લાગે છે કે છોકરાનો બાપ રોજ એને કંઇક
સારુ સારુ ખવડાવતો હશે એટલે જ એ
આવો તાજોમાજો છે. બીજા દિવસે
જ્યારે બાપ-દિકરો રૂમમાં ગયા એટલે
સાવકી મા બારણાની તિરાડમાંથી જોવા લાગી.
રૂમમાં જઇને પિતાએ ડીપફ્રીજ ખોલ્યુ.
તેમા રાખેલો એક માણસનો હાથ બહાર
કાઢયો. બાળકને એક ખુરશી પર
બેસાડીને એના માથા પર
પ્રેમથી પેલો હાથ થોડીવાર
ફેરવ્યા રાખ્યો.હાથ
ફેરવતા ફેરવતા પિતાએ કહ્યુ , " બેટા, આ
તારી મા નો હાથ છે જે એના મૃત્યુ
પછી એના શરીરથી જુદો કરીને
સાચવીને રાખ્યો છે જેથી રોજ
તારી મા નો હેતાળ હાથ તારા પર
ફરતો રહે. "
મિત્રો , મરેલી માનો નિર્જીવ હાથ
પણ દિકરાને તમામ વિપરિત
પરિસ્થિતીઓની સામે
તાજોમાજો રાખી શક્તુ હોય
તો જીવતી માનો હાથ માથા પર ફરે
એનું શું પરિણામ આવે ?
તરોતાજા રહેવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે
અજમાવી જુઓ."
ગૃહલક્ષ્મી
♥ BY. RASHMIKANT SHAH ♥
એક છોકરા ની સગાઇ થઇ .બંને ખુબ ખુશ
હતા બે જણા ફરવા ગયા તો છોકરા ની કાર
નો અકસ્માત થતા રહી ગયો ..
થોડા ટાઇમ પછી ફરી એ
લોકો ફરવા ગયા ફરી છોકરા ની કાર
નો અકસ્માત થયો છોકરી ને કઈ ના થયું
પણ છોકરા બહુ ગંભીર ઈજા થઇ..
ઘણા મહિના પછી છોકરો સાજો થયો ..
પણ છોકરા ના ઘર વાળા ને અને
છોકરા ને શંકા જવા લાગી કે જ્યાર
થી આ છોકરી એના જીવન માં આવી છે
ત્યાર થી એમને કૈક ના કૈક ખરાબ
થવા લાગ્યું છે . એવું માની ને એમને
છોકરી સાથે સગાઇ તોડી નાખી ..
છોકરી આઘાત સહન ના કરી શકી અને એ
ને આત્મહત્યા કરી દીધી .. સમય
વીતતો ગયો પણ છોકરા નું ક્યાય
નક્કી નતું થતું ... પછી એક દિવસ
છોકરો જ્યોતિષ ને બતાવ ગયો ...
જ્યોતિષે કુંડળી જોઈ ને કીધું કે તમે
તો થોડા સમય પેહલા જ
મરી ગયા હોવા જોઈએ નક્કી તમને
કોઈક ના નસીબ
થી બચી ગયા હશો ..આ
સંભાળતા છોકરા ને એહસાસ થયો કે જે
છોકરી ને મેં છોડી દીધી એના નસીબ
થી જ હું બચી ગયો હતો . .. બસ આ જ
આઘાત માં ને આઘાત
માં ગાડી ચલાવતા એનો અકસ્માત
થયો અને એ પણ મારી ગયો ....
♥ નોધ : કોઈ પણ આવનારી લક્ષ્મી પર
દોષ દેતા પેહલા પોતાના નસીબ વિશે
વિચારી લેવું જોઈએ .
લક્ષ્મી હમેશા ઘર માં ખુશી જ લાવે છે
એ ભલે ને પછી વહુ હોય કે દીકરી
જન્મદિવસની પ્રાર્થના
♥ કુન્દનિકા કાપડીયા ♥
આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ
નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ,
વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય
નથી માંગતો
પણ આ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે
કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દિવસે ભગવાન ! હું એમ
નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને,
મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને
નમ્ર બનાવે એ હું માંગુ છું.
લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય
આપે છે પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં મારો માર્ગ તમારાથી દૂર ન
નીકળી જાય એ હું માંગુ છું.
જીવનને સાચી અને સારી રીતે
જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ
સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને
આગળ નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે
કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી -
એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ
તો હૃદયનો સવાલ છે.
જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ,
આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા,
બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને
તમારા માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને
બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-
સૃષ્ટિને ચાહું.
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું
દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં
રહેલા તમને વ્યક્ત કરું દુનિયાને મારા થકી
થોડી વધુ સુંદર બનાવું.
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ
બન્યું છે એમ કહી શકું - એ હું માગું છું.
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ
જીવનમાં ઉમેરાય છે.
એ મને યાદ આપે છે કે સમય
કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે
તેની ખબર નથી.
આવતીકાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે
જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ
માનું અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને
તમને ધરી દેવા તત્પર રહું
આજે, જન્મદિવસે ભગવાન !
એ હું તમારી પાસે માંગુ છું
(‘ પરમ સમીપે ’ માંથી.. સાભાર)
આલ્ફ્રેડ નોબેલની મજબુરી
જેના નામે નોબેલ પારિતોષિક
આપવામાં આવે છે એ આલ્ફ્રેડ નોબેલના બાળપણની વાત જાણવા જેવી છે.
તેનું બાળપણ દુઃખથી ભરેલું હતું.
તે અશક્ત અને ચીડિયા સ્વભાવનો હતો.
તે દવા પર જીવી રહ્યો હતો. તેની નાજુક
તબિયતને કારણે ઘરના લોકો તેને
બીજા છોકરાઓ જોડે હળવામળવા દેતા નહોતા, તેથી તે એકલપંડો થઈ ગયો હતો.
મનમાં મૂંઝાયા કરતો હતો અને
પોતાની લાગણી તથા ભાવના બીજા સાથે
પ્રગટ કરવામાં તેને ડર લાગતો હતો,
તેથી તે બીજા સાથે બોલવાનું ટાળતો.
તેનું વર્તન સ્વયંલક્ષ્મી રહેતું. બધી વસ્તુ
પોતાની જાતે જ કરતો.
બધા લોકો સાથે બોલવાનું તેને પસંદ
નહોતું. તેને ચિત્રો બનાવવાનું ફાવતું
નહોતું.
તેથી બાળપણની સ્મૃતિની વહેંચણી અન્ય
સાથે કરી શકતો નહોતો. તેણે
પોતાની લાગણી રજૂ કરવા માટે
યુવાનીમાં ખંડકાવ્ય લખ્યું હતું.
તેમાં ઈશ્વરનું અસ્તિત્વ, પ્રેમનો પ્રભાવ,
સૃષ્ટિની જિજ્ઞાાસા વગેરે
વિષયની વાત વણી લીધી હતી. તેને
સંશોધનમાં પણ સુખ મળ્યું નહોતું અને
લેખનમાં પણ સંતોષ નહોતો. ધંધામાં પણ
તેને આત્મશાંતિ મળી નહોતી. અંતે તેણે
ચાળીસ લીટીનો મૃત્યુપત્ર
લખ્યો હતો અને તેની અપાર
સંપત્તિમાંથી નોબેલ પારિતોષિક
આપવાની પ્રથા શરૃ થઈ હતી. જોકે, આ
બધું તેના મૃત્યુ પછી શરૃ થયું હતું.
કર્મોનું વાસ્તવિક સ્વરૂપ
એક દિવસ રાજા ભોજ ગાઢ
નિદ્રામાં સૂતેલો હતો ત્યારે એને એક
સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને એક અત્યંત
દૈદીપ્યમાન વૃદ્ધ પુરુષના દર્શન થયા.
ભોજ રાજાએ તેમને પૂછયું- 'મહાનુભાવ !
તમે કોણ છો ?' તે વૃદ્ધ માનવીએ
પ્રત્યુત્તર આપતાં કહ્યું- 'હું સત્ય છું. તને
તારા કાર્યોનું વાસ્તવિક સ્વરૃપ
બતાવવા આવ્યો છું. તું મારી પાછળ,
પાછળ આવ અને તારા કાર્યોનું વાસ્તવિક
સ્વરૃપ તારી નજરે જ નિહાળ.' એ વૃદ્ધ પુરુષ
ચાલવા લાગ્યો અને રાજા ભોજ
તેની પાછળ પાછળ ગયો.
માર્ગમાં વૃદ્ધ પુરુષે રાજા ભોજને તેણે
કેવા સત્કાર્યો કર્યા છે તે વિશે પૂછયું.
ભોજ રાજાએ કહ્યું- 'મેં
ઇષ્ટાપૂર્તના બધા કાર્યો કર્યા છે.
યજ્ઞા- યાગ, પૂજન- અર્ચન, કીર્તન-
નામસ્મરણ, વ્રત-ઉપવાસ, તીર્થાટન-
દાન ઉપરાંત મંદિર નિર્માણ, વાવ-
કૂવા બનાવવા, રસ્તાઓ અને
ઉદ્યાનો બનાવવા એવા પુણ્યના અનેક
કાર્યો કર્યા છે.' આ વિશે વાત કરતા પણ
ભોજ અત્યંત ગર્વ અનુભવતો હતો એવું એ
વૃદ્ધપુરુષને લાગ્યું.
વૃદ્ધ પુરુષના રૃપમાં સત્ય રાજા ભોજને
સર્વપ્રથમ રાજાએ બનાવેલા એક રમણીય
બાગમાં લઇ ગયા. બગીચામાં ચારે તરફ
ફરતાં ભોજે કહ્યું- આ વૃક્ષો મેં જ
વાવ્યા છે. એમને પાણી પણ મેં જ
પીવડાવ્યું છે. જુઓ, આના પર કેવા સુંદર
ફૂલો ઊગ્યા છે ! પેલા વૃક્ષ પર કેવા સરસ
ફળો લાગ્યા છે ! વૃદ્ધ પુરુષ એક વૃક્ષ પાસે
ગયા અને તેને હાથથી સ્પર્શ કર્યો. એને
સ્પર્શ કરતાં જ એના પુષ્પ- પર્ણ અને ફળ
ખરી પડયા. એનું થડ સૂકું થઇને કાળું ભઠ્ઠ
બની ગયું ! આ જોઇને રાજા ભોજ
આશ્ચર્યચકિત થઇ ગયો.' આ છે તારા વૃક્ષ
ઉગાડવાનું ફળ !' વૃદ્ધ માનવીએ
રાજા ભોજને કહ્યું. ચાલ, હજુ તને
તારા બીજા પુણ્ય કર્મોનું ફળ બતાવું !
તે પછી વૃદ્ધ પુરુષ રાજા ભોજને લઇને તેણે
બનાવેલા સ્વર્ણ જડતિ મંદિર પાસે લઇ
ગયા. રાજાને આ મંદિર વિશે ખૂબ
અભિમાન હતું. વૃદ્ધ માનવીએ પૂછયું- 'આ
મંદિર પણ તે જ બનાવ્યું છે ને ?' રાજાએ
અભિમાન પૂર્વક કહેવા માંડયું- 'હા, મેં જ
કરોડો રૃપિયા ખર્ચીને આ મંદિર બનાવ્યું
છે. એમાં લગભગ બધે જ સુવર્ણ જડેલું છે.
આખી ધરતી પર આવું મોંઘુ મંદિર બીજું કોઇ
નથી.'વૃદ્ધ પુરુષે તેને કહ્યું- 'તને એવું લાગતું
હશે. પણ એ સાચું નથી. તારે એનું વાસ્તવિક
સ્વરૃપ જોવું છે ? તો ચાલ, તને એ પણ
બતાવી દઉ ! વૃદ્ધ પુરુષ એ મંદિર પાસે
ગયા અને તેને પોતાના હાથથી સ્પર્શ
કર્યો. એમના સ્પર્શતાની સાથે જ
સૂર્યના પ્રકાશમાં ઝગારા મારતું એ
સુવર્ણજડિત મંદિર કાળુ પડી ગયું. એનું સોનું
લોખંડના રૃપમાં પરિવર્તિત થઇ ગયું.
થોડીવાર પછી એના આલીશાન
આરસપહાણના પથ્થરો છૂટા પડવા લાગ્યા અને
પત્તાના મહેલની જેમ કકડભૂસ કરતું
જમીનદોસ્ત થઇ ગયું ! આ દ્રશ્ય નિહાળીને
રાજા ભોજના હોશ ઊડવા લાગ્યા.
એના મુખ પર કાલિમા છવાઇ ગઇ. વૃદ્ધ
પુરુષે કહ્યું- 'જોયું ને ? આ હતું તારું સુવર્ણનું
મંદિર બનાવવાનું પુણ્ય ફળ !' એ પછી તે
વૃદ્ધ પુરુષે રાજા ભોજના અન્ય જે પુણ્ય
પ્રાપ્ત
કરવાના કાર્યો થકી થયેલી રચનાઓ
હતી તેને સ્પર્શ કર્યો હતો તો તે
બધાની પણ એ જ દશા થઇ જે બાગ અને
મંદિરની થઇ હતી.
તે પછી વૃદ્ધ પુરુષનું રૃપ લઇને આવેલા સત્યે
રાજા ભોજને કહેવા માંડયું- 'રાજન્, તને
એવો પ્રશ્ન થતો જ હશે કે પુણ્ય કાર્ય
કરવા છતાં તેનું પરિણામ આવું કેમ ?
સત્કાર્યોનું ફળ આવું તકલાદી કેમ
બની ગયું ? તો હું તને એનું કારણ સમજાવું.
સત્કર્મના રાજ્યમાં સદ્ભાવનાનું ચલણ
ચાલે છે. માનવીની બાહ્ય ક્રિયાનું નહી,
એની આંતરિક વૃત્તિ કે આંતરભાવનું મહત્વ
છે. લોકોને દેખાડવા માટે કે
યશપ્રાપ્તિ માટે જે કાર્ય કરાય તેનું
દુન્યવી વાહવાહ થવાથી મોટું કોઇ ફળ
નથી.
સાચો સદ્ભાવ રાખી, નિઃસ્વાર્થ
વૃત્તિ રાખી સર્વનું કલ્યાણ કરવા કર્તવ્ય
કર્મ કરે તે સાચું પુણ્ય કાર્ય કહેવાય.
પોતાના સ્વાર્થ માટે વ્રત-ઉપાસના,
જપ-તપ કે દયા-દાન કરે તેનું સત્ય-
ધર્મના પથ પર કશું જ મૂલ્ય નથી. મંદિરો,
ધર્મશાળાઓ ઉદ્યાનો વગેરે
બનાવી મહાન દાનવીર
હોવાના અભિમાનમાં રાચતા ભૌતિકવાદી પુણ્યકર્મી કરતાં પ્રત્યેક
જીવમાં પરમાત્માના દર્શન
કરી એની સાથે સદ્વ્યવહાર
કરી એની નિસ્વાર્થ-નિર્વ્યાજ
સેવા કરવાની સદ્ભાવના ધરાવનારા આંતરધર્મી પુણ્ય
કરનારા હજાર દરજ્જે સારા છે.
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા દેખાવનું
સારું કાર્ય કર્યું હોય તે પુણ્ય કાર્ય નથી.
બીજાનું ભલું કરવાની સદ્ભાવનાથી સહેજ
પણ અભિમાન કે સ્વાર્થ વગર સહજ રીતે
પરોપકાર કે લોકકલ્યાણનું સત્કર્મ થાય તે
સાચું પુણ્ય કાર્ય છે.'
આટલું કહીને તે વૃદ્ધ પુરુષ રૃપી સત્ય
અંતર્ધામ થઇ ગયા. રાજા ભોજનું સ્વપ્ન
પણ તૂટી ગયું. સ્વપ્નનું સત્ય તેને
સ્પર્શી ગયું. તેણે પોતાના સ્વાર્થ માટે
કરાતા ભૌતિક પુણ્યકાર્યોને બદલે
નિરભિમાની બની નિઃસ્વાર્થ
ભાવથી લોકકલ્યાણના કાર્યો કરવા માંડયા.
કોઇપણ
પ્રકારના બદલાની ભાવના રાખ્યા વિના કરાયેલા વેદમાં ઉપદેશેલા ઇષ્ટાપૂર્ત
કર્મથી અંતે રાજા ભોજ સત્ય-
ધર્મમાં સમ્યક્ રીતે સુપ્રતિષ્ઠિત થયો.
વૈકુંઠનો સાચો અધિકારી
ભગવાન વિષ્ણુએ એકવાર જય-વિજય
નામના તેમના દ્વારપાળોને પૃથ્વી પર
મોકલ્યા અને તેમને કહ્યું - ''ધરતી પર જઈને
એ વાતની તપાસ કરો કે અત્યારે
કેટલી વ્યક્તિઓ વૈકુંઠ
ધામની અધિકારી છે ? આ
બધામાં સૌથી વધુ પુણ્ય કોનું છે ?
જય-વિજય પોતાનું વિમાન લઈને
ધરતી પર આવ્યા.
વૈકુંઠના સાચા અધિકારીને
શોધવા આખી પૃથ્વીને ખૂંદી કાઢી. તેમણે
જોયું તો આખી ધરતી પર લોકો કોઈને
કોઈ ધર્મકાર્ય કરી રહ્યા છે. કોઈ ભગવાન
પૂજન કરે છે તો કોઈ દર્શન, કોઈ સેવા કરે છે
તો કોઈ સ્મરણ. કોઈ યજ્ઞા- યાગ કરે છે
તો કોઈ તીર્થાટન. જય-વિજયે તે
બધાની વિગતો નામઠામ સાથે
લખી લીઘી. આ રીતે પરિભ્રમણ
કરતા કરતા તે જેમને મળતા તેમને
પૂછતા હતા, ''અરે ભાઈ ! તમે આ બધું
શેના માટે કરો છો ?'' તો તે જવાબ
આપતા - ''આ માનવ જીવન તો ક્ષણભંગુર
છે ગમે ત્યારે મૃત્યુ આવી જાય ! ભગવાનનું
પૂજન- અર્ચન કરીએ તો ભવ
ફેરામાંથી છૂટાય અને
જ્યાં ગયા પછી પાછા ન ફરવું પડે એ વૈકુંઠ કે
સ્વર્ગની પ્રાપ્તિ થાય.''
આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં તે
જ્યાં વિષુવવૃત્ત રેખા પસાર
થતી હતી એવા ગાઢ
જંગલોથી ઘેરાયેલા એક
ગામમાં પહોંચ્યા રાત પડી ગઈ હતી.
ચોમેર અંધકાર છવાઈ ગયો હતો. તેમણે
જોયું તો એક વૃદ્ધ
માનવી દીવો પ્રગટાવીને
ખાટલો ઢાળીને બેઠો છે. જય-
વિજયના પગલાનો અવાજ સાંભળી તેણે
એ બન્નેનું પ્રેમાળ શબ્દોથી સ્વાગત કર્યું.
થોડીવાર માટે
એમના ઝૂંપડામાં આવી સ્વસ્થ થવા સૂચન
કર્યું. તે બન્ને તેમની પાસે ગયા અને તેનું
નામ પૂછયું. તે વૃદ્ધે પોતાનું નામ આપ્યું
અને કહ્યું - ''ઇશ્વરે મારી બન્ને
આંખોની રોશની લઈ લીધી છે. પણ એ
તો મારા કર્મનું ફળ હશે. મને ઇશ્વર સામે
કોઈ ફરિયાદ નથી.'' બન્નેએ વૃદ્ધને પૂછયું,
''તમે અહીં ખાટલામાં બહાર
દીવો પ્રગટાવીને કેમ બેઠા છો ? તમે કશું
દેખી શકતા તો છો નહીં !'' પેલા વૃદ્ધે
જવાબ આપતા કહ્યું ''હું તો આખી રાત
દીવો ચાલુ રાખીને અહીં દરરોજ બેસું છું.
આ દીવો અહીંથી પસાર થતા મુસાફરોને
અંધારામાં માર્ગ દેખાય એટલા માટે કરું
છું.'' જય-વિજય એ વૃદ્ધના ઝૂંપડામાં જ
રાત રોકાઈ ગયા. બીજા જે મુસાફર
ત્યાંથી પસાર થતા તેમને
પ્રેમથી બોલાવતો. તેમના હાથપગ ધોઈ
આપતો થાક ઉતારવા ખાટલા પર
બેસાડતો. દીવાનો પ્રકાશ રસ્તા પર
ધરી એમને આગળનો રસ્તો બતાવતો.
સવાર પડી એટલે એ વૃદ્ધ
માનવી સૂવાની તૈયારી કરવા લાગ્યો.
જય-વિજયે પૂછયું, ''તમે ભગવાનનું પૂજન-
અર્ચન કે કીર્તન વગેરે કરો છો ખરા ?''
પેલા વૃદ્ધ માનવીએ કહ્યું, ''ના, હું એવું
કાંઈ કરતો નથી. રાતે મુસાફરોને
દીવાના પ્રકાશથી રસ્તો બતાવું છું. અને
દિવસે સૂઈ જાઉં છું. આ બે જ મુખ્ય કામ હું કરું
છું.'' જય-વિજયે તેમની રજા અને પોતાના
કામ માટે પાછા આગળ વધી ગયા.
થોડા સમય પછી એ પાછા વૈકુંઠ
લોકમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને
મળી પોતાની શોધખોળનો વૃત્તાંત રજૂ
કર્યો.
જય-વિજયે પોતાનો ચોપડો ભગવાનને
સુપરત કર્યો અને કોણે કોણે કેવા યજ્ઞા-
યાગ, વ્રત- ઉપવાસ, પૂજા- પાઠ અને
ભજન-કીર્તન કર્યા હતા તે નોંધ
બતાવી ભગવાન
એના પાના ઉથલાવવા લાગ્યા.
એમાં લખેલી વિગત વાંચી લેતા. એમ
કરતા કરતા ભગવાન વિષ્ણુ
નોંધપોથીના એક પાના પર
લખાયેલી વિગત વાંચી ત્યાં જ
અટકી ગયા. ભગવાન બોલી ઉઠયા, ''બસ,
આ જ છે વૈકુંઠનો સાચો અધિકારી !'' જય
વિજયે પાસે આવીને જોયું તો તે પૃષ્ઠ પર
તો પેલા વૃદ્ધ
માનવીની વિગતો લખાયેલી હતી. જય-
વિજયના મુખેથી આશ્ચર્યનો ઉદ્ગાર
સરી ગયો - ''અરે ! પેલો વૃદ્ધ માનવી ?
એ વૈકુઠનો અધિકારી ? એ
તો સ્વર્ગનો અધિકારી પણ નથી. એ
કદી તમારી પૂજા- અર્ચના કરતો નથી.
ક્યારેય નામ-સ્મરણ પણ કરતો નથી.''
ભગવાન વિષ્ણ્ુએ એમની ધીર-ગંભીર
વાણીમાં એમને સમજાવ્યું, ''પૂજન- અર્ચન,
વ્રત- ઉપવાસ અને ભજન-કીર્તન વગેરે
પ્રક્રિયા એટલા માટે છે કે
એના થકી માનવ આત્મ-અભિમુખ થઈ
સર્વમાં વ્યાપેલા મને નિહાળી શકે.
એમની સાથે વ્યવહાર કરતી વખતે તે
મારી સાથે જ વ્યવહાર કરી રહ્યો છે એવું
સમજી શકે. જે દરેક સ્થળે અને દરેક
પ્રાણીમાં મને નિહાળતો ન હોય અને દરેક
ક્રિયાને મારી ઉપાસના સમજીને સમ્યક્
રીતે કરતો ન હોય તે પુણ્યના સ્થૂળ
ક્રિયાકલાપો યંત્રવત્ કરતો રહે તેનો કોઈ
અર્થ નથી. પેલો વૃદ્ધ માનવી દરેક
વ્યક્તિમાં ઇશ્વરનું રૃપ જોઈ
તેની સેવા કરવા તન્મય રહે છે. આ
એની સૂક્ષ્મ ઉપાસના છે એટલે એને
બીજી કોઈ ઉપાસનાની સ્થૂળ ક્રિયાઓ
કરવાની જરૃર નથી. પ્રત્યેક પ્રાણીને
મારી કૃતિ સમજીને તે તેમની નિઃસ્વાર્થ
સેવા કરે છે એટલે એ જ
વૈકુંઠનો સાચો અધિકારી છે !''